અન્ય એક મહિલાને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયાઃ પોલીસ દ્વારા કારચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી
લાલપુર ચોકડીથી આગળ દરેડ ફેઇસ-2 પાસે પુરઝડપે પસાર થતાં ઇકો ચાલકે બે મહિલાને હડફેટે લેતાં એકનું કમકમાટીભર્યું મોત નિપ્જુયં હતું, જ્યારે અન્ય મહિલાને ગંભીર પ્રકારની ઇજા થતાં હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા છે, આ બનાવની મૃતકના પતિએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઇકો કારના ચાલક સામે ગુન્હો દાખલ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી આરંભી છે.
મળતી વિગત મુજબ કાલાવડના ડુંગરાણી દેવળીયા ગામે રહેતા હિરજીભાઈ શામજીભાઈ રોલાના પત્ની ડાઈબેન તથા તેઓના નાના ભાઈના પત્ની લીલાબેન વિગેરે હીરજીભાઈના સાસુ ગુજરી ગયા હોય દરમ્યાન શનિવારના સવારે 9-00 વાગ્યાના સુમારે તેઓ તમામ વ્યક્તિ ક્રિયામાં ચાલીને જતાં હોય દરમ્યાન ખંભાળીયા-લાલપુર ચોકડીથી હાઇવે રોડ ઉપર દરેડ ફેસ-2 પાસે ચાલીને જતી વેળાએ જીજે-10-9593 નંબરની ઇકો કારના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેફીકરાઇપૂર્વક ચલાવીને ડાઇબેન તથા લીલાબેન બંનેને ઠોકર મારતાં લીલાબેનને માથાના તેમજ હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવારમાં જી.જી. હોસ્પીટલ ખાતે 108 દ્વારા ખસેડવામાં આવ્યા છે, જ્યારે ડાયબેનને માથાના તેમજ છાતીના તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત નિપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, આ બનાવ અંગે હીરજીભાઇ શામજીભાઇ રોલાએ પંચકોશી બી ડીવીઝનમાં ઇકો કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતા હે.કો. હરીરભાઇ પાંડવે વધુ તપાસ હાથ ધરી છે.