દ્વારકાના સલાયા બંદર પર આવતા જતા તમામ વાહનોનું કડક ચેકિંગ
જામનગર મોર્નિંગ - અમદાવાદ
ભારત દ્વારા મંગળવારે પાકિસ્તાન ચાલી રહેલા આતંકી ઠેકાણા પર હુમલાઓ કરી નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બન્ને દેશો વચ્ચે છેલ્લા બે દિવસથી ચાલી રહેલી અઘોષિત યુદ્ધ જેવી કટોકટી વચ્ચે અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકારે સંભવિત હુમલાઓ સામે મહત્વના ધાર્મિક સ્થળો તેમજ સરહદી વિસ્તારો પર લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવા આદેશ આપ્યો છે. રાજ્યના દ્વારકા તેમજ સોમનાથ મંદિરમાં પણ સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા, કચ્છ તેમજ દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠામાં પણ પેટ્રોલિંગ ચુસ્ત બનાવાયું છે.
બુધવારે ભારત દ્વારા એલઓસી પર ઘૂસેલા પાકિસ્તાનના F-16 વિમાનને ફૂંકી માર્યું હતું. આ હુમલામાં ભારતીય વાયુસેનાના બે મિગ-21 વિમાન પણ તૂટી પડ્યા હતા તેમજ એક પાયલટ પાક.ના કબજામાં હોવાનું જણાવાયું છે. હવે પાકિસ્તાન ફરી ચંચૂપાત કરી ભારતના અન્ય ભાગમાં સંભવિત વધુ હુમલા કરવા પ્રયાસ કરે તેવી આશંકાએ ગુજરાતમાં સરહદી વિસ્તાર તેમજ મહત્વના ધાર્મિક સ્થળોએ સુરક્ષા પહેરો વધારી દેવાયો છે. દેવભૂમિ દ્વારકાના સલાયા બંદર પર પણ સઘન ચેકિંગ ચાલી આવ્યું છે. સ્થાનિક પોલીસ તેમજ એસઆરપી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સલાયા આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પાક. હવાઈ બાદ દરિયાઈ માર્ગે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી શકે છે જેથી સુરક્ષાના પગલે ગુજરાતમાં દરિયાઈ ક્ષેત્રમાં વધુ કડક બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.