35 હજાર ફુટ જગ્યા ખુલ્લી કરવા 34 બાંધકામો હટાવવા કાર્યવાહી હાથ ધરાઈ 


જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર મહાનગરપાલીકાની દબાણ હટાવ શાખા દ્વારા આજે સવારે શહેરના બેડેશ્વર વિસ્તારમાં માધાપર ભુંગા નજીક ડીપી સ્કીમ હેઠળ આવતા રસ્તામાં 34 જેટલા બાંધકામોને દુર કરવા માટેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને કુલ 35 હજાર ચોક્કસ ફુટ જગ્યા ખુલ્લી કરાવાઈ છે.
જામનગર શહેર બેડેશ્વર વિસ્તારમાં જોડીયા ભુંગા નજીકના વિસ્તારમાં ડી પી સ્કીમ હેઠળ નવો રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે જે રસ્તા માટેની જામ્યુકોની જગ્યામાં નાના-મોટા 34 જેટલા પાકા બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે જેમાં દુકાન, ગોડામ, ઓફિસ વગેરેનો સમાવેશ થાય છે. જે તમામ બાંધકામ દુર કરવા માટે એક થી વધુ વખત નોટિસ પાઠવવામાં આવી હતી તેમ છતાં દબાણો નહીં હટાવતા આખરે આજે જામનગર મહાનગરપાલીકાની દબાણ હટાવ શાખા દ્વારા દબાણો દુર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આજે વહેલી સવારથી જ જામ્યુકોની દબાણ હટાવ શાખાની ટીમ જેસીબી મશીન, ટ્રેકટર વગેરે મશીનરી અને વાહનો તેમજ સ્ટાફ સાથે બેડેશ્વર પહોંચી ગઈ હતી અને ડિમોલેશનનો પ્રારંભ કર્યો હતો. બેડેશ્વર વિસ્તારમાંથી પસાર થતા 2 કીમી ના રોડ ઉપર નાના-મોટા 34 જેટલા બાંધકામોને દુર કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કુલ 35 હજાર સ્કેવર ફુટ જગ્યાને ખુલ્લી કરાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.