જામનગર મોર્નિંગ - ભાણવડ : ભાણવડ તાલુકાના ટીંબડી પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ દ્વારા માલતદાર કચેરી ભાણવડમાં લેખીતમાં રજુઆત કરીને જણાવ્યું કે પ્રાથમિક શાળામાં બાળકોને બપોરના સમયે મધ્યાહન ભોજનની સરકારની યોજના મુજબ રોજ  અલગ - અલગ મેનુ મુજબ મધ્યાહન ભોજન આપવાનો નિયમ હોવા છતાં દરરોજ એકજ પ્રકારનું દાળ -ભાત અને એ પણ હલકી ગુણવતાનું આપવામાં આવે છે. તે અંગે વાલીઓ દ્વારા મધ્યાહન ભોજન સંચાલકને પૂછવામાં આવતા તેઓએ જણાવેલ કે ઉપલી કચેરીથી જ નબળી ગુણવતા અને ઓછા પ્રમાણમાં જથ્થો આવતો હોવાથી આ પ્રકારે સંચાલન થઇ રહ્યું છે.
        ટીંબડી ગામના જાગૃત નાગરિક અને વાલી અરજણ વિસાભાઈ મોરી દ્વારા આ બાબતે ભાણવડના મામલતદારને લેખિતમાં રજુઆત કરીને આ બાબતે ઊંડી તપાસ કરીને જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા જણાવેલ.
        ત્યારે જોવાનું એ રહ્યું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર તો તગડી ગ્રાન્ટો ફાળવે છે પણ સ્થાનિક કક્ષાની બેદરકારીથી યોગ્ય સંચાલન ના થતું હોય પરિણામે બાળકોમાં કુપોષણના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ બાબતે કેટલી તપાસ થશે તે જોવું રહ્યું.