મગફળીનું સેમ્પલ પાસ કરાવવા રૂ. 3 હજારની લાંચ માંગી 
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા માર્કેટીંગ યાર્ડમાં આજે સાંજે એસીબીની ટુકડીએ છટકુ ગોઠવીને નાફેડ સાથે સંકળાયેલા બે શખ્સને રૂ. 3000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેતા ચકચાર મચી જવા પામી હતી, મગફળીનું સેમ્પલ પાસ કરાવવા લાંચ માંગી હોવાનું ખુલવા પામ્યું હતું.
 મળતી વિગત મુજબ એક વ્યક્તિ દ્વારા એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી કે પોતાની મગફળી સરકારના ટેકાના ભાવે વહેંચવાની હોય જેથી મગફળી લઈને માર્કેટીંગ યાર્ડમાં ગયા હતા જ્યાં મગફળીનું સેમ્પલ કરવાનું હતું દરમ્યાન યાર્ડમાં હાજર રાજસ્થાનના જોતપુરના બાસની ભાટીયા ખાતે રહેતા અને નાફેડ દ્વારા અપાયેલ કોન્ટ્રાકટ કે એમ સીક્યુરીટીના કરાર આધારિત કર્મચારી રેવતલાલ ઉર્ફે રાહુલ ચંપાલાલ રાણા વતી રાજસ્થાનના બાડમેરના સાંગારામ બાબુલાલ એ ફરિયાદીને કહેલું કે તમારી મગફળીનું સેમ્પલ પાસ કરાવવું હોય તો રૂ. 3000ની લાંચ આપવી પડશે.  
જો લાંચ નહીં આપો તો તમારું સેમ્પલ રદ કરી દેસુ જેથી ફરિયાદીએ લાંચ આપવા માંગતા ન હોય આથી ફરિયાદ કરતા દ્વારકા એસીબીના પીઆઇ એ.એમ.ટાંક દ્વારા છટકું ગોઠવી રેવતલાલે લાંચની માંગણી કરી અને તેના વતી સાંગારામ રૂ. 3000ની લાંચ સ્વીકારતા ટ્રેપમાં પકડાઈ ગયો હતો, રાજકોટ એકમ એસીબીના મદદનીશ નિયામક એચ.પી.ડોશીના માર્ગદર્શન હેઠળ દ્વારા એસીબીએ આ સફળ ટ્રેપ કરી હતી. નાફેડ સાથે સંકળાયેલા શખ્સ લાંચ લેતા ઝડપાતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે.