પુત્રની આત્મહત્યાના આઘાતથી પિતાનું હાડ બેસી ગયું : પરિવાર શોકમાં ગરકાવ 
જામનગર મોર્નિંગ - દ્વારકા 
ખંભાળિયાના બેહ ગામના એક યુવાને માનસિક અસ્થિરતાના કારણે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવતા તેમનો પરિવાર શોકમગ્ન બન્યો હતો. આ યુવાનની આત્મહત્યાના પગલે તેમના ત્રણ સંતાનો નોધારા બન્યા છે ત્યારે પુત્ર ગૂમાવવાના ગમમાં સરી પડેલા વયોવૃદ્ધ પિતાનું પણ હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ નિપજ્યું છે.
મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના બેહ ગામના રહેવાસી કાનાભાઈ અજુભાઈ માયાણી નામના તેત્રીસ વર્ષના યુવાન બેએક વર્ષથી માનસિક અસ્થિરતાનો ભોગ બન્યા હતા. તેઓએ ગુરૃવારની રાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધા પછી તેમના પરિવારને જાણ થતા આ યુવાનને નીચે ઉતારી ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કરતા પોલીસે મૃતદેહનું પી.એમ. કરાવી તેનો કબજો માયાણી પરિવારને સોંપ્યો હતો.
ઉપરોકત બનાવથી સમગ્ર માયાણી પરિવારે ઘેરો આઘાત અનુભવ્યો હતો. પરિણીત એવા કાનાભાઈ સંતાનમાં એક પુત્ર તથા બે પુત્રી ધરાવતા હતા. બે વર્ષ પહેલા માનસિક અસ્થિરતા વળગતા તેઓ હેરાન-પરેશાન થઈ ગયા હતા ત્યારે જુવાનજોધ પુત્રએ આવી રીતે આત્મહત્યા કરતા વયોવૃદ્ધ પિતા અજુભાઈ માયાણી (ઉ.વ.૬પ) સુનમુન બની ગયા હતા. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો અપાતા શુક્રવારે સાંજે માયાણી પરિવાર તેમજ અન્ય સંબંધીઓએ અંતિમયાત્રાની તૈયારી કર્યા પછી મૃતક કાનાભાઈને વિદાય આપવામાં આવી હતી. પુત્રની અંતિમક્રિયામાંથી પરત આવેલા અજુભાઈ આઘાતના કારણે રડી પણ શક્યા ન હતા તે દરમ્યાન જ શુક્રવારે રાત્રે અજુભાઈને હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતાં પુત્ર કાનાભાઈની અંતિમવિધિમાં ભાગ લેવા આવેલા અન્ય પરિવારજનોએ તાત્કાલિક અજુભાઈને સારવાર માટે ખંભાળિયા સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં તબીબોએ જહેમત આદરી હતી તેમ છતાં અજુભાઈએ અંતિમ શ્વાસ લેતા માયાણી પરિવારે એક જ દિવસમાં પિતાની છત્રછાયા અને પુત્રનો સધિયારો ગૂમાવ્યો હતો. આ બનાવે ગઢવી સમાજમાં શોક પ્રસરાવ્યો છે. આ જ પરિવાર સાથે જોડાયેલા અન્ય કુટુંબમાં લગ્નોત્સવનું વાતાવરણ હતું ત્યારે આ કરૃણ બનાવ બનતા વાતાવરણ ભારેખમ બની ગયું હતું.