કલ્યાણપુર અને જામનગર દર્દીનું મૃત્યુઃ સ્વાઈન ફ્લુના અન્ય ૧૪ દર્દીઓ સારવાર હેઠળ

જામનગર મોર્નિંગ - જામનગર 

હાલાર પંથકમાં સ્વાઇન ફ્લુના રોગચાળાએ અજગરરૃપી ભરડો લીધો છે ત્યારે જામનગરની જી.જી. હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓ પૈકી જામનગરના વતની એવા દર્દીએ તેમજ કલ્યાણપુરના એક પુરુષ દર્દીએ ગઇરાત્રે જી.જી. હોસ્પીટલમાં દમ તોડી દેતાં હાહાકાર મચી ગયો છે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે, જી.જી. હોસ્પીટલમાં કુલ ૧૪ દર્દીઓ હજુ સ્વાઇન ફ્લુની સારવાર લઇ રહ્યા છે.
મળતી વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વાઇન ફ્લુનો રોગચાળો કાબુમાં આવવાનું નામ લેતો નથી, દિન-પ્રતિદિન સ્વાઇન ફ્લુના કેસો વધતા જાય છે, જામનગરની જી.જી. હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા મુળ કલ્યાણપુરના વતની ભાયાભાઇ સુવા નામના ૨૮ વર્ષના યુવાને સ્વાઇન ફ્લુની બિમારીના કારણે ગતરાત્રે જામનગરની જી.જી. હોસ્પીટલના બિછાને દમ તોડી દીધો હતો.
દરમ્યાન જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે પુરોહિત સ્કૂલ નજીક રહેતા હિમાંશુભાઇ જોષી નામના ૩૯ વર્ષના એક સ્વાઇન ફ્લુના દર્દીએ જી.જી. હોસ્પીટલના બીછાને દમ તોડી દેતાં એક જ દિવસમાં બે દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા જેમના મૃતદેહને બારોબાર અંતિમવિધિ કરવામાં આવી હતી, બંને જિલ્લાના આરોગ્ય તંત્રમાં દોડધામ શરુ કરાઇ છે, હાલમાં જામનગરની જી.જી. હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં કુલ ૧૪ દર્દીઓ સ્વાઇન ફ્લુની સારવાર લઇ રહ્યા છે.