લાપતા વ્યક્તિની ખબર આપવા માટે જામજોધપુર તાલુકા વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો

જામનગર મોર્નિંગ - જામનગર 

જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામમાં પરબતભાઈ રામાભાઈ પાથર (ઉંમર વર્ષ 50) ગત તારીખ 27/08/2024 ના રાત્રિના અંદાજિત 09:00 કલાકની આસપાસ ઝીણાવારી ગામની બહાર રબારીકાથી ઝીણાવારી વચ્ચે આવેલ વર્તુ નદીના પુલ ઉપરથી ચાલીને પસાર થતા હતા. ત્યારે તે વખતે પુલ ઉપરથી ભારે માત્રામાં પાણી પસાર થતું હોવાથી તેઓ નદીમાં તણાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. વર્તુ નદીનો પ્રવાહ ત્યાંથી આગળ વધીને મોટી ગોપથી થઈને મોરજર ડેમમાં જાય છે. આથી આ વિસ્તારમાં જે કોઈપણ નાગરિકને આ બાબતે માહિતી મળે તો તુરંત જ મામલતદાર, જામજોધપુર (મો. 9537221156) અથવા તાલુકા વિકાસ અધિકારી, જામજોધપુર (મો. 7567013131) ને તાત્કાલિક ધોરણે જાણ કરવી. તેમજ વર્તમાન પરિસ્થિતિમાં મદદરૂપ થવા અને જિલ્લા વહિવટી તંત્રને જરૂરી સહકાર આપવા માટે તમામ નાગરિકોને જામજોધપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.