જામનગર મોર્નિંગ - ગાંધીનગર 
ગુજરાતમાં ભાજપ માટે આ 8 બેઠકો પર કપરાં ચઢાણ, 56 વિધાનસભા બેઠકો પણ ગુમાવી છે
રાજ્યમાં લોકસભા ચૂંટણી યોજાવાને હવે માત્ર બે દિવસ બાકી રહ્યાં છે. આ ચૂંટણી જ્યાં કોંગ્રેસ માટે અસ્તિત્વ જાળવી રાખવાનો સવાલ બની રહેશે તો ભાજપ માટે શાખ બચાવવાની કવાયત બની રહેશે. ખાસ કરીને ભાજપ માટે લોકસભા ચૂંટણી આઠ બેઠકો પર કપરા ચઢાણ જેવી સાબિત થાય તેમ છે. રાજ્યમાં 8 લોકસભા બેઠકોમાં આવતી 56 વિધાનસભા બેઠકો માંથી ભાજપ પાસે હાલ માત્ર 16 જ બેઠક છે. ક્યારે અને કયા તબક્કે ભાજપને નુકસાન થયું છે તે જોઈએ આ અહેવાલમાં.
જામનગર મોર્નિંગ - અમદાવાદ 
રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે છેલ્લી ઘડીનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. થોડાંક કલાકો બાદ પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ત્યારે બાકી રહેલ આ ક્ષણોમાં બન્ને પક્ષો સત્તા હાંસલ કરવા માટે શક્ય તેટલું જોર અજમાવી રહ્યાં છે. આ ચૂંટણીમાં જ્યાં કોંગ્રેસ ઊજળી આશાઓ લઈને ઉતરી રહેલ છે તો ભાજપ વિધાનસભામાં થયેલા નુકસાનની ભરપાઈ પૂરી કરવા ઊતરી રહેલ છે. કેમ કે, ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં વિજય રૂપાણીનાં નેતૃત્વમાં ભાજપે ચૂંટણી લડી હતી જેમાં ભાજપને છેલ્લાં 20 વર્ષમાં સૌથી ઓછી બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો જ મળી હતી. વિધાનસભાની ચૂંટણીનાં આ પરિણામોની સીધી અસર લોકસભાની ચૂંટણીમાં પણ થઈ શકે તેવો ભય ભાજપને સતાવી રહ્યો છે.

આ ભયને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 બેઠકો પર જ ચૂંટણીનો પ્રચાર કર્યો છે. કેમ કે, 8 લોકસભા બેઠકોમાં સમાવિષ્ટ વિધાનસભા બેઠકો પર ભાજપે હારનો સામનો કર્યો હતો. રૂપાણીનાં નેતૃત્વમાં ભાજપે 8 લોકસભા બેઠકમાં આવતી કુલ 56 વિધાનસભા સીટો ગુમાવી છે. 8 લોકસભામાં ભાજપ પાસે માત્ર 16 જ વિધાનસભા બેઠકો રહી  છે. આવતી કાલે 8 બેઠક પૈકી એક પાટણમાં પીએમ મોદી સભા કરવાનાં છે. 2015 બાદ ગુજરાતનાં બદલાયેલાં રાજકીય સમીકરણોને જોતાં 8 લોકસભા બેઠક પર ભાજપ માટે કપરાં ચઢાણ છે. ત્યારે આ આઠ લોકસભા બેઠક પર ભાજપે ખાસ રણનીતિ તૈયાર કરી છે ભાજપ માટે પડકારજનક આઠ લોકસભા બેઠકોમાં આણંદ, ભરૂચ, સુરેન્દ્નનગર, અમરેલી, જુનાગઢ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે.
 
ગુજરાતમાં 2014ની લોકસભાની ચૂંટણી બાદ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની જતાં તેમનાં અનુગામી તરીકે આનંદીબેન પટેલ અને તે પછી વિજય રૂપાણીને સત્તાનું સુકાન સોંપવામાં આવ્યું હતું. જે દરમિયાન અનેક રાજકીય ઊથલ પાથલ થઈ હતી. જેનાં કારણે 2015 બાદ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી માંડીને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો અને આ ફટકાની અસર લોકસભાની આઠ બેઠકો પર પણ પડી શકે છે. જેનાં કારણે ભાજપનાં રાષ્ટ્રીય નેતાઓએ આ આઠ લોકસભા બેઠક પર વધુ પડતું ધ્યાન કેન્દ્રીત કરીને આ બેઠકો પર જીતની બાજી લગાવવા માટે ખાસ પ્રયત્નો શરૂ કર્યા છે. ભાજપને આ પ્રયત્નો ફળે છે કે કોંગ્રેસ માટે આ બેઠકો ગઢ સમાન બની રહેશે તે તો ચૂંટણી પરિણામો બાદ જ ખબર પડશે.