જામનગર મોર્નિંગ નવી દિલ્હી
પુલવામા આતંકી હુમલાની જવાબદારી લેનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પર કાર્યવાહી માટે વિશ્વના ટોચના દેશો આગળ આવ્યા છે. આ પગલે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે બુધવારે આ આતંકી સંગઠનને સંયુક્ત રાષ્ટ્રમાં બ્લેક લિસ્ટ કરવા માટે પ્રસ્તાવ રજુ કર્યો હતો. જૈશ-એ-મોહમ્મદે જ પુલવામામાં ભારતના સીઆરપીએફ જવાનો પર આત્મઘાતી બોમ્બ દ્વારા હુમલો કર્યો હતો જેમાં 40 જવાન શહીદ થઇ ગયા હતા. 
અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે 15 સભ્ય ધરાવતી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ કમિટિને મૌલાના મસૂદ અઝહર પર દરેક પ્રકારના પ્રતિબંધ લાદવાની માંગ કરી છે. આ પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે, આતંકવાદી સંગઠન જૈશના વડા મસૂદ અઝહર પર હથિયારોના વેપાર અને વૈશ્વિવ યાત્રા સહિતના પ્રતિબંધ લાદવામાં આવે. આ સાથે જ તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવે. જો કે ચીન આ પ્રસ્તાવનો વિરોધ કરી શકે છે. 
અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ અગાઉ જણાવ્યું હતું કે, પાકિસ્તાન દેશમાં વર્તમાન તણાવને ઘટાડવા અને પોતાની ધરતી પર સક્રિય આતંકવાદી સમૂહોની વિરુદ્ધ સાર્થક કાર્યવાહી કરવાને પ્રાથમિકતા આપે.