જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર નજીક મોટી ખવાડી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી એટીએમ કાર્ડની ચોરી થઇ ગઈ હતી જે એટીએમ કાર્ડની સાથે પિન નંબર પણ લખેલો હોવાથી તસ્કરે કાર્ડના આધારે બેંકમાંથી રોકડ રકમ ઉપાડી લીધી હતી અને મોબાઈલ પણ ખરીદ કરી લીધો હતો જે ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધે રૂ. 20 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. 
મળતી વિગત મુજબ જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતા એક પરપ્રાંતીય શ્રમિક યુવાનના મકાનમાંથી ગત 26મી તારીખે ચોરી થઇ ગઈ હતી કોઈ તસ્કરે તેના મકાનમાંથી પરચૂરણ રોકડ અને એટીએમ કાર્ડની ચોરી કરી હતી જે એટીએમ કાર્ડની પાછળ પિન નંબર પણ લખેલા હતા જેના આધારે તસ્કરે બેંક ખાતામાંથી સૌ પ્રથમ 25 હજાર ઉપાડી લીધા હતા ત્યારપછી કાર્ડના આધારે રૂ. 8 હજારની કિંમતનો મોબાઈલ ફોન પણ ખરીદ કરી લીધો હતો..
આ બનાવ અંગે મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવાયા પછી મેઘપર પોલીસે ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી સુકેશ્વર સોહર છત્તર નામના શખ્સને પકડી પાડ્યો હતો જેની પુછપરછ કરતા તેણે ઉપરોક્ત ચોરી કરવાની કબુલાત આપી છે. પોલીસે તેના કબ્જામાંથી રૂ. 12100ની રોકડ રકમ અને રૂ. 8 હજારની કિંમતનો ફોન વગેરે કબ્જે કરી લીધા છે અને વધુ પુછપરછ હાથ ધરી છે.