દેશના પ્રજાજનોને સેનાના સાહસ પર ભરોસો છે પણ, કેટલાક લોકોને સેના પર ભરોસો નથી : કેટલાક લોકો એમ કહે છે કે આવો ભેગા મળીને મોદીને ખતમ કરો અને મોદીનો મંત્ર છે કે આવો ભેગા મળીને આતંકવાદને ખતમ કરો : આજે તમામ લોકો સુખશાંતિથી જીવી રહ્યા છે કારણ કે, કોમી વૈમનશ્ય ફેલાવનારા લોકો ઠેકાણે લાગી ગયા છે : મનગર ખાતે વડાપ્રધાનએ અનેકવિધ વિકાસ કામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને વિકાસની ગતિને ઇંધણ પુરૂ પાડ્યું 
મોદીએ માં નર્મદાનું સૌની યોજના દ્વારા ભગીરથીની જેમ અવતરણ કરી ગુજરાતની તરસી ધરાને તૃપ્ત કરવાનું નામુમકીન કામ મુમકીન કર્યુ :  વિજયભાઈ રૂપાણી 
જામનગર મૉર્નિંગ - જામનગર 
કેન્દ્ર અને રાજય સરકાર ‘‘સૌનો સાથ –સૌનો વિકાસ‘‘ મંત્ર સાથે લોકાની આશા-આકાંક્ષાનાં સ્વપ્નો પુરા કરવા આગળ વધી રહી છે
જામનગર ખાતે રૂા. ૭૧.૮૦ કરોડથી વધુ રકમથી નિમાર્ણાધિન થયેલ ૭૦૦ બેડની હોસ્પિટલ લોકોની આરોગ્ય સેવા માટે અર્પણ
મેડીકલ કોલેજ ખાતે રૂા. ૨૪.૨૦ કરોડનાં ખર્ચે અદ્યતન સુવિધાયુકત તૈયાર થયેલ પી.જી. હોસ્ટેલનું લોકાર્પણ સંપન્ન
જામનગરવાસીઓને પીવાનું પાણી પુરૂ પાડનાર રણજીતસાગર  ડેમ નર્મદાનાં નીરથી છલોછલ ભરવાનો પ્રારંભ
જિલ્લાનાં જોડીયા ખાતે દરરોજ ૧૦ કરોડ લીટર ખારા પાણીમાંથી મીઠું બનાવવાની ક્ષમતાવાળા ડીસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મહાનુભાવોએ રૂા. ૮૧ કરોડનાં ખર્ચે તૈયાર થયેલ ૧૪૫૬ આવાસો લાભાર્થીઓને અર્પણ
કાનાલુસ થી રાજકોટ સુધી રેલ્વે લાઇનનું રૂા.૧૦૧૨ કરોડના ખર્ચથી દ્વિમાર્ગીકરણ - હમસફર ટ્રેનની જામનગરવાસીઓને ભેટ આપતા પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હાલારની ધરતી પરથી હુંકાર ભર્યો છે કે ભારતને તબાહ કરવાનો પ્રયાસ કરનારા તત્વોને છોડવામાં નહીં આવે. દેશના પ્રજાજનોને સેનાના સાહસ પર ભરોસો છે પણ, કેટલાક લોકોને સેના પર ભરોસો નથી.       
આજે દેશની સેના પાસે જો રાફેલ હોત તો ચિત્ર કંઇક જુદુ જ હોત. રાફેલ હોત તો આપણું કશું જાત નહીં અને, એમનું કશું છોડત નહી.
જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રભક્તિના અદમ્ય માહોલ વચ્ચે યોજાયેલી સભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ ઉક્ત સંદર્ભમાં ઉમેર્યું કે, કોઇ પણ દેશ શક્તિ-સામર્થ્ય વિના ચાલી ન શકે. હવે કોમી હુલ્લડ નથી થતા. અહીં તમામ લોકો સુખ અને શાંતિથી જીવે છે. એનું કારણ એ છે કે સમાજમાં વૈમનશ્ય ફેલાવનારા લોકો ઠેકાણે લાગી ગયા છે.
હવે આતંકવાદની બિમારીનો ઇલાજ કરવાનું મોટું કાર્ય કરવાનું આવ્યું છે. બિમારીની સાથે એના મૂળનો પણ ઇલાજ કરવો પડશે. આતંકવાદની બિમારીનું મૂળ પેલે પાર છે. આ બિમારીના ઇલાજનો પરચો આપણે સૌએ જોયો છે. દેશની સેના પર સૌને ગર્વ અને વિશ્વાસ છે.
મોદીએ એમ પણ કહ્યું કે, કેટલાક લોકો એમ કહે છે કે આવો ભેગા મળીને મોદીને ખતમ કરો અને મોદીનો મંત્ર છે કે આવો ભેગા મળીને આતંકવાદને ખતમ કરો. હવે જનતાએ વિચારવાનું છે કે, આતંકવાદને ખતમ કરવો છે કે મોદીને.
ગુજરાતે પાણી વિતરણ વ્યવસ્થા અને નર્મદાના પાણીને ગુજરાતના ખૂણે ખૂણે ઉંચે સુધી પહોંચાડાનું ભગિરથ કાર્ય કર્યું છે. બીજા કામોના ફંડમાંથી બચત કરીને પાણીના કામો અગ્રતાથી કર્યા છે એટલે ગુજરાતને પાણી વેડફવાનો અધિકાર નથી. ખેડૂતો ટપક સિંચાઇ અપનાવે અને લોકો પાણી બચાવે તેવો સંકલ્પ પ્રધાનમંત્રીએ લેવડાવ્યો હતો.
        સરદાર સરોવરના કામોમાં વર્ષો સુધી રૂકાવટ કરનારા લોકોને પ્રજા માફ નહી કરે તેમ જણાવી પ્રધાનમંત્રીએ કહ્યું કે, એ લોકો ટેન્કરમાં માનનારા હતા અને અમે લાંબા ગાળાનું નક્કર આયોજન કરીને ૨૨ માળ સુધી પાણીને લીફટીંગ કરીને કચ્છની બોર્ડર સુધી પાણી પહોંચાડ્યું છે. અમે ગુજરાતના ખેડૂતમાં સોનું ઉગાડવાની ક્ષમતાને પારખી છે.
કૃષિકારોના કલ્યાણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા કદમની માહિતી આપતા વડાપ્રધાનશ્રી મોદીએ કહ્યું કે, અમે ખેડૂતોની વ્યથા સમજીને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે. જેમાં પ્રતિવર્ષ રૂ. છ હજાર ખેડૂતોને મળવાના છે. આ ૭૫ હજાર કરોડ રૂપિયા નાના અને સીમાંત ખેડૂતોને મળવાના છે. દસ વર્ષમાં સાડા સાત લાખ કરોડ રૂપિયા આ યોજના થકી ખેડૂતોના ખાતામાં જશે. આ રકમ ખેડૂત પોતાના બાળક, ખોરાક અને બહેતર જીવન માટે ઉપયોગ કરી શકશે. દસ વર્ષમાં આટલી મોટી રકમથી ગ્રામીણ અર્થતંત્રને ધબકતું થઇ જશે. હવે, માછીમારો અને પશુપાલકોને ખેડૂતોની જેમ કિસાન ક્રેડીટ કાર્ડનો લાભ અને સસ્તા વ્યાજદરની લોનનો લાભ આપવામાં આવશે.
પહેલાની સરકારે દેવુ માફ કરવાના નામે ખેડૂતોને છેતર્યા હતા. ૨૦૦૮-૨૦૦૯માં ખેડૂતોને માથે રૂ. ૬ લાખ કરોડનું દેવું હતું. તેની સામે તત્કાલીન સરકારે દેવા માફીના નામે રૂ. ૫૨ હજાર કરોડ જ માફ કરવામાં આવ્યા હતા. મોટા ભાગના ખેડૂતોને તેમાં બાકી રાખી દેવામાં આવ્યા હતા. પણ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના અને સીમાંત તમામ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે.
જામનગરની ગુરૂ ગોવિંદસિંધ હોસ્પિટલનો ઇતિહાસ જણાવી પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગુજરાતની આરોગ્ય સેવાઓ બેહતર બની છે અને હું ભારત સરકારમાં ગયો પછી આરોગ્ય ક્ષેત્રે દુનિયાની સૌથી મોટી આરોગ્ય યોજના અમલમાં મુકી છે અમેરીકા, મેક્સીકો અને કેનેડાની વસ્તીથી પણ વધારે જનસંખ્યાને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળવાનો છે તેમ જણાવી જામનગરનો કોઇ વ્યક્તિ ભોપાલ કે ભારતના કોઇપણ શહેરમાં જાય તો ત્યાં પણ તેને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા આ યોજના હેઠળ કરવામાં આવેલ છે.
પ્રધાનમંત્રીએ સ્વચ્છતાના જનઆંદોલન પર કહ્યું કે, ૧૦૦ વર્ષ પહેલા ગાંધીજીએ કુંભમાં સ્વચ્છતા પર આગ્રહ મુક્યો હતો અગાઉની સરકારોએ તેના પર ધ્યાન ન આપેલ અને અમે કુંભમાં સ્વચ્છતાને એટલું પ્રાધાન્ય આપ્યુ કે આજે આખો દેશ તેના પર ગર્વની લાગણી અને સ્વચ્છતાને સ્વભાવમાં કેળવવા કટિબધ્ધ છે. સ્વચ્છતા અભિયાન જે રીતે સફળ થયું છે, એ જ રીતે પાણી બચાવવાનું અભિયાન પણ ઉપાડવું પડશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો મોટા પ્રમાણમાં રોજગારી આપે છે. આ ઉદ્યોગોને સરળતાથી લોન મળી રહે એ માટે નવી ઓનલાઇન વ્યવસ્થા વિકસાવી છે. જેમાં તમામ દસ્તાવેજો સાથે ઓનલાઇન અરજી કરવાથી રૂ. ૧ કરોડ સુધીની લોન માત્ર ૫૯ મિનિટમાં મંજૂર કરી દેવામાં આવે છે. પહેલા લોન લેવા માટે વચેટિયાઓ હતા. અમે આ વચેટિયાઓને નાબૂદ કરી દીધા છે.
પારદર્શક વહિવટ પ્રક્રિયા પર ભાર મુકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે નાનો વેપારી પણ સરકારમાં ટેન્ડરની ઝંઝટ વગર ગર્વમેન્ટ ઇ-માર્કેટથી રજીસ્ટ્રેશન કરાવી તેનો માલ સપ્લાય કરે છે. જામનગરના લધુ ઉદ્યોગનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી વધુમાં કહ્યું કે માત્ર ૫૯ મીનીટમાં વેપારીની ૧ કરોડ સુધીની લોન માત્ર ઓનલાઇન ડોક્યુમેન્ટ રજુ કરીને મંજુર કરવામાં આવે છે અને કોઇની પણ લાચારી કરવી ન પડે તેવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. જીએસટીમાં પણ વખતો વખત સુધારા કરીને વેપારીઓ માટે તમામ પ્રક્રિયા સરળ કરી છે. અટલજીની સરકારમાં વંચિતોના વિકાસ માટે આદિજાતિનો અલગ વિભાગ શરૂ કર્યો હતો અમે માછીમારોના ક્લ્યાણ માટે પણ અલગ વિભાગ શરૂ કરી માળખાગત કાર્યો કર્યા છે.
તેમણે એવો પણ વિશ્વાસ દર્શાવ્યો હતો કે ફરી આ સરકાર આવવાની છે. એટલે, ૨૦૨૨ સુધીમાં તમામ લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે.
મોદીએ રેલ્વેમાં વિદ્યુતીકરણ, રેલ્વે લાઇનનું દ્વિમાર્ગીકરણ, નવા કોચના નિર્માણના કામો પહેલા કરતા ડબલ ગતિથી થતા હોવાનું પણ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે,  આજના મહાશિવરાત્રીના પવિત્ર દિવસે વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યાં ‘શિવ ત્યાં જીવ’ સૂત્રને સાર્થક કરતા ગરીબો, ખેડૂતો, સોશીતો, વંચિતો માટે જામનગર ખાતે વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરી સાચા અર્થમાં જરૂરિયાતમંદોની સેવા કરી રહ્યા છે. ૫૬ ઈંચની છાતી ધરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પુલવામાં થયેલા આતંકી હુમલાનો દુશ્મનોને શિવના તાંડવ સ્વરૂપની જેમ આપણી સરકાર અને સેનાએ જડબાતોડ જવાબ આપી દેશને ગૌરવ અપાવ્યું હોવાનું મુખ્યમંત્રી રૂપાણીએ સગૌરવ જણાવ્યું હતું.
રૂપાણીએ જણાવ્યું હતું કે, જેમ ભગીરથીએ ભગવાન શંકરની જટામાંથી ગંગાને પ્રસન્ન કરી અવતરણ કર્યુ હતું તેજ રીતે નરેન્દ્રભાઈ મોદીએ માં નર્મદાનું સૌની યોજના દ્વારા ભગીરથીની જેમ અવતરણ કરી ગુજરાતની તરસી ધરાને તૃપ્ત કરવાનું નામુનકીન કામ મુનકીન કર્યુ છે. સૌની યોજના તેમજ સુજલામ સુફલામ યોજના, ઉકાઈ ડેમ યોજના સહીત વિવિધ યોજનાઓ થકી ગુજરાતને સર પ્લસ પાણી યુક્ત કરવાનું ભગીરથી કાર્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આગળ વધી રહ્યું છે.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે જયારે સૌની યોજના શરુ કરવામાં આવી હતી ત્યારે વિરોધીઓ દ્વારા આ યોજના થકી પાણી નહિ પરંતુ હવા આવશે તેવુ કહેતા હતાં પરંતુ આજે એ જ વિરોધીઓની હવા નીકળી ગઈ છે. આજે રાજ્યના ૫૬ ડેમમાં માં નર્મદાનું પાણી ભરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આજ રોજ પ્રધાનમંત્રી એ જોડિયા ખાતે ખારા પાણીને મીઠા બનાવવાના પ્લાન્ટનું ખાત મુર્હુત કર્યુ છે જ્યાં રોજ ૧૦ કરોડ લીટર પાણી મીઠુ બનશે અને જેનો લાભ જામનગર અને આસપાસના વિસ્તારને મળશે. આ ઉપરાંત દ્વારકા, વેરાવળ, ભાવનગર, દહેજ, પીપાવાવ, મુન્દ્રા તેમજ માંડવી ખાતે પણ ડીસેલીનેશન પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ વિષેશમાં જણાવ્યું હતું કે, પહેલાની સરકારે ખેડૂતોના દેવા માફીની માત્ર વાતો કરી હતી પરંતુ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને પ્રતિ વર્ષ રૂ. ૬ હજાર લેખે સહાય આપી છે. દલિતોના પગ ધોઈ તેમણે સાચા અર્થમાં દેશમાં નાત જાતનો ભેદ ભુલાવી સમરસતાની ભાવના કેળવવામાં મહત્વનો અભિગમ સ્થાપ્યો છે.  
સ્વાગત પ્રવચન કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર સહીત રાજ્યના મુખ્ય શહેરોમાં આધુનિક સુવિધાયુક્ત હોસ્પિટલમાં ગરીબો અને જરૂરિયાતમંદ દર્દીઓને ની:શુલ્ક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી હતી. જામનગર ખાતે કેન્સરના દર્દીઓને સુવિધા યુક્ત સારવાર મળી રહે તેમજ કિડનીના દર્દીઓને ડાયાલીસીસની સારવારમાં હવે વેઈટીંગ ના રહે તે માટે વધારાની સુવિધા ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે પર્યાપ્ત કરવામાં આવી છે, જેનું આજરોજ પ્રધાનમંત્રી એ લોકાર્પણ કરતા સ્થાનિક દર્દીઓને તમામ પ્રકારની સાધન સુવિધા મળી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રી આરોગ્ય યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય અમલવારીમાં પ્રથમ હોવાનું અને રાજ્યની ૨૭૦૦ જેટલી હોસ્પીટલમાં ૫ લાખથી ઓછી આવક ધરાવત્તા દર્દીઓને સારવાર રાજ્ય સરકાર દ્વારા પૂરી પડશે તેમ મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
નરેન્દ્રભાઈ મોદીએ સ્થળ પરથી રીમોટ કંટ્રોલ વડે સૌની યોજના પ્રોજેકટ, સમરસ હોસ્ટેલ, રેલ્વે લાઈન ડબલ ટ્રેક સહિતના વિવિધ લોકાર્પણ તેમજ ખાતમુર્હુતની તકતીનું અનાવરણ કર્યુ હતું. આવાસ યોજનાના લાભાર્થીને તેમના ઘરના ઘરની ચાવી અર્પણ કરવામાં આવી હતી.
આ તકે સૌની યોજના અંગેની દસ્તાવેજી શોર્ટ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બાન્દ્રા જામનગર હમસફર એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવી હતી.
કાર્યક્રમના પ્રારંભે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા પ્રસ્તુત દેશભક્તિના ગીત-સંગીતના કાર્યક્રમમાં પ્રસિદ્ધ ગાયક બંકિમ પાઠક,  બિહારીદાન ગઢવી તેમજ કિંજલ દવેએ સુરીલો સ્વર આપ્યો હતો જેને ઉપસ્થિત માનવ મેદનીએ ઉત્સાહભેર માણ્યો હતો.
નરેન્દ્રભાઈ મોદીનું મુખ્યમંત્રીશ્રી તેમજ મંત્રીમંડળે અને જામનગર તેમજ દેવ ભૂમિ દ્વારકાના મહાનુભાવો દ્વારા ફુલહાર પહેરાવી તેમજ મોમેન્ટો આપી સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હતો. 
આ પ્રસંગે કેન્દ્રિય રાજયમંત્રી મનસુખભાઇ માંડવિયા, રાજય સરકારના મંત્રી આર.સી.ફળદુ, ઇશ્વરભાઇ પરમાર, કુંવરજીભાઇ બાવળીયા, પરબતભાઇ પટેલ, વિભાવરીબેન દવે, મેયર હસમુખભાઇ જેઠવા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક,ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા,  જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિન્ડોચા, અગ્રણી ભિખુભાઇ દલસાણીયા તથા વિશાળ સંખ્યામાં નગરવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતા.