જોડીયામાં ડીસેલીનેશન પ્લાન્ટનું કરશે ખાતમુહૂર્તઃ નવનિર્મિત જી.જી. હોસ્પીટલમાં ૭૦૦ બેડની કેન્સર હોસ્પીટલનું ઉદ્દઘાટન અને આવાસોનું કરશે લોકાર્પણ
જામગનર મોર્નિંગ -જામનગર 
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આવતીકાલ તા.૪ માર્ચના સોમવારે અને તા.૫ માર્ચના મંગળવારે માદરે વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે આ બે દિવસ દરમિયાન તેઓ અડધો ડઝન જેટલા કાર્યક્રમોમાં ભાગ લઈ અને જાહેરસભાઓ ગજવશે. સોમવારે રાત્રે પાટનગરના રાજભવનમાં રોકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે ૧૧ઃ૩૦ વાગે સીધા જામનગર આવશે, જ્યાં તેઓ જોડિયા ખાતે સ્થપાનારો ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે, નવનિર્મિત ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે તથા જામનગર મહાનગરપાલિકા અને જાડા દ્વારા બનેલા આવાસોનું લોકાર્પણ કરશે.
જામનગરથી તેઓ બપોરે ત્રણ વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી સાડા ત્રણ વાગે જાસપુરમાં કડવા પાટીદારોના ઉમિયા ધામ પહોંચશે, જ્યાં ઉમિયા ફાઉન્ડેશનના ઉપક્રમે કરોડોના ખર્ચે સર્જાનારા વિશ્વ ઉમિયા ધામનું ખાતમુહૂર્ત થશે. અહીં તેઓ લગભગ સવા કલાક હાજરી આપશે. બાદમાં તેઓ સાંજે ૫ઃ૩૦ વાગે વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેનમાં સફર કરી આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું લોન્ચિંગ કરશે. ત્યાંથી સાંજે ૬ વાગે તેઓ અસારવાની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવશે અને ત્યાં ૧૨૦૦ બેડની નવી મોટી હોસ્પિટલનું તથા અન્ય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. અહીં તેઓ લગભગ બે કલાક હાજરી આપવાના છે.
વડાપ્રધાન બીજા દિવસે મંગળવારે સવારે ૯ઃ૩૦ વાગે અડાલજમાં લેઉઆ પાટીદાર સમાજ દ્વારા નવનિર્મિત શ્રી અન્નપૂર્ણા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા તેમજ અન્ય પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ભાગ લેશે. બાદમાં તેઓ સવારે ૧૧ઃ૩૦ વાગે વસ્ત્રાલ પહોંચશે, જ્યાંથી તેઓ નવી શ્રમિક પેન્શન યોજનાનું રાષ્ટ્રીયસ્તરે લોન્ચિંગ કરશે. તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર બપોરે દોઢેક વાગે આવશે અને ઇંદોર જવા રવાના થશે.

જામનગરમાં વડાપ્રધાનના આગમન પૂર્વે લોખંડી સુરક્ષા બંદોબસ્ત

પોલીસ દ્વારા ચાંપતી નજર સાથે મોટી સંખ્યામાં જવાનોની અભેદ્ય કિલ્લેબંધી

જામનગરમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે જિલ્લા વહીવટી તંત્ર સાથે પોલીસ તંત્ર પણ વ્યસ્ત બન્યુ છે. શહેરમાં જી.જી.હોસ્પીટલ પટાંગણ ઉપરાંત પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેના સભા સ્થળે પોલીસ દ્વારા અભેદ્ય કિલ્લેબંધી ગોઠવવામાં આવી રહી છે. વડાપ્રધાનની જામનગરની મુલાકાતના પગલે રેન્જ આઇજી ઉપરાંત પાંચ જિલ્લાના એસ.પી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત કર્મચારીઓ, સીઆરપીએફ, હોમગાર્ડઝ જવાનો સહિતના ધાડા ઉતારીને ચૂસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવી રહ્યો છે. જ્યારે એસપીજી ટુકડીનું પણ જામનગરમાં આગમન થયું છે.

કાર્યક્રમ સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાયું

જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમો સ્થળ પૈકી જી.જી.હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. એસ.પી., ડીવાયએસપી, પી.આઇ. પીએસઆઇ સહિતના અધિકારી ઉપરાંત દોઢસો જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત જાળવશે. જ્યારે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેના સભા સ્થળ ખાતે જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર સહિત પાંચ જિલ્લાના એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારી રેન્જ આઇજી સંદિપ સિંઘના માર્ગદર્શન હેઠળ બંદોબસ્તની બાગડોળ સંભાળશે. જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડઝ જવાન સહિત સાડા સાતસોથી વધુનો કાફલો જોડાશે એવું સુત્રોએ જણાવ્યું છે. જ્યારે એસપીજીની ટીમ પણ તૈનાત રહેશે.

એસપીજીના કમાન્ડોએ સ્થળ નિરીક્ષણ કર્યું

જામનગરમાં વડાપ્રધાનની મુલાકાતને અનુલક્ષીને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એસપીજીના કમાન્ડોની ટુકડી પણ અત્રે આવી પહોંચી હતી. જે દિલ્હીથી આવેલા એસપીજી કમાન્ડોએ જી.જી.હોસ્પીટલ ઉપરાંત પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેના સભા સ્થળની મુલાકાત લઇને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.વડાપ્રધાનના આગમનના પગલે બસોના રૃટ નક્કી કરાયા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ જામનગર શહેરના પ્રવાસે આવનાર હોય તેઓની ઝેડ-પ્લસ સુરક્ષાને ધ્યાને લઇ તેઓની સભામાં આવનારા નાગરીકો માટે બસનો રૃટ રાજકોટ, ધ્રોલ, કાલાવાડ અને ધોરાજી તરફથી આવનાર માટે ગુલાબનગર,ત્રણ દરવાજા,બેડીગઈટ, થઈ ટાઉનહોલ ડ્રોપ થશે. આ બસોનું પાર્કિંગ સ્થળ સત્ય સાંઈ પેલેસ ગ્રાઉન્ડ રહેશે. તેમજ સમાણા, લાલપુર તરફથી આવતી તમામ બસોનો રૃટ લાલપુર બાયપાસ, પવનચક્કી, ઓસવાળ હોસ્પીટલ તળાવની પાળ થઈ મિગ કોલોની ડ્રોપ થશે, આ બસોનુ પાર્કિંગ સ્થળ ઇન્દીરા માર્ગ સામે ઓસવાળ ગ્રાઉન્ડ રહેશે. તેમજ દેવભુમી દ્વારકા, ખંભાળીયા તરફ્થી આવતી બસોનો રૃટ સમર્પણ સર્કલ, ગોકુલનગર સર્કલ, રોઝી પંપ, જનતા ફાટક થઈ ઓસવાળ સેન્ટર ઇન્દીરા માર્ગ પર ડ્રોપ પોઈન્ટ રહેશે. આ બસોનું પાર્કિંગ સ્થળ ઓસવાળ સેન્ટર ગ્રાઉન્ડ રહેશે. સભા સ્થળ પ્રદશન ગ્રાઉન્ડ સભામાં આવનાર લોકોએ પાણીની બોટલ, રૃમાલ, થેલી, વધારાના કપડા, ખાદ્ય સામગ્રી, શ્રીફળ, તેમજ તમાકુ, જેવા અન્ય કોઈ પદાર્થ સાથે ન લાવવા અનુરોધ કરાયો છે.

જામનગર-બાંદ્રા નવી 'હમસફર' ટ્રેનને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે લીલી ઝંડી


છેલ્લા કેટલાય સમયથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના લોકો દ્વારા જામનગરથી મુંબઈ જવા માટે વધુ એક ટ્રેનની માંગ હતી, જે અંગે યાત્રિકો, વ્યાપારી સંસ્થાઓ,અને પ્રજાપ્રતિનિધિઓ પણ જામનગર સાંસદ પુનમબેન માડમને આ બાબતે રજુઆતો કરીને જામનગર મુંબઈ વચ્ચે એક ટ્રેનનો વધારો થાય તેવી માંગ કરી રહ્યા હતા, જે અંગે પુનમબેન માડમે રેલ્વેમંત્રી પિયુષ ગોયલને કરેલ રજુઆતને અંતે સફળતા મળી છે અને રેલ્વે વિભાગે મંજુર કરેલી જામનગર બાંદ્રા હમસફર ટ્રેનને આવતીકાલે  જામનગર આવી રહેલા વડાપ્રધાન મોદી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે.
અગાઉ કેન્દ્રીય બજેટમા જામનગરથી બાંદ્રા ઉદય ટ્રેન હતી, જેને ઈમ્પ્રુવ કરી જામનગરથી બાંદ્રા હમસફર ટ્રેન મંજુર કરાવવામાં આવી છે, શરૃ થનારી ટ્રેન સંપૂર્ણ સુવિધાયુક્ત થ્રી ટાયર એસી કોચ ધરાવતી ટ્રેન હશે, નવી ટ્રેન ઉપરાંત રાજકોટ કાનાલુસ સુધીના રેલ્વે ટ્રેકને ડબલ ટ્રેક બનાવવાના પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આ ટ્રેન શરૃ થતા જામનગરથી મુંબઈ જવા માટે નવી વધુ એક ટ્રેનની સુવિધા મળતા યાત્રિકોને સાનુકુળતા થશે અને યાત્રીઓની સુવિધામાં વધારો થતા જામનગર સાંસદની વધુ એક રજૂઆતને સફળતા મળી છે.