દેવાદાર અનિલ અંબાણીને રાજકોટમાં નવું એરપોર્ટ બાંધવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. રાજકોટના હીરાસર પાસે આ એરપોર્ટ બનવા જઈ રહ્યું છે.

જામનગર મોર્નિંગ - જામનગર 
અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રાજકોટમાં એરપોર્ટ બાંધવાનો 648 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. RInfraને આ કોન્ટ્રાક્ટ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી મળ્યો છે.
અમદાવાદ-રાજકોટને જોડાતા નેશનલ હાઈવે 8B પાસે આ એરપોર્ટ બની રહ્યું છે. જે હાલના રાજકોટના એરપોર્ટથી 36 કિલોમીટર દૂર છે. એરપોર્ટના કોન્ટ્રાક્ટ માટે લાર્સન એન્ડ ટુબ્રો, દીલિપ બિલ્ડકોન અને ગાયત્રી પ્રોજેક્ટસએ પણ બોલી લગાવી હતી. પરંતુ અંતે કોન્ટ્રાક્ટ રિલાયન્સ ઈન્ફ્રાના ફાળે ગયો.
રિલાયન્સ ઈન્ફ્રાએ જાહેર કરેલા નિવેદન પ્રમાણે, "રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ઈ એન્ડ સીને એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી લેટર ઓફ અવૉર્ડ મળ્યો છે. જે રાજકોટના હીરાસર પાસે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બાંધવાનો 648 કરોડનો કોન્ટ્રાક્ટ છે."
RInfraએ આ ટેન્ડરમાં એન્જિનિયરિંગ, પ્રોક્યૂરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટ માટે મેઈન કોન્ટ્રાક્ટર તરીકે ભાગ લીધો હતો. જેમાં રનવે બાંધવાનો, ટર્નિંગ પેડ્સ, ટેક્સીવેય્ઝ અને આસપાસના રસ્તાઓ, ડ્રેનેજ સિસ્ટમ, ફાયર સિસ્ટમ, લાઈટિંગ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરવાના કોન્ટ્રાક્ટનો સમાવેશ થાય છે.
કંપનીના કહ્યા પ્રમાણે, "રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે આ તમામ બોલી લગાવનારાઓમાંથી સૌથી હાઈએસ્ટ ટેક્નિકલ સ્કોર 92.2 ટકા મેળવ્યો હતો. લેટર ઓફ અવૉર્ડ મળ્યાના 30 મહિનામાં આ કામ પૂર્ણ થઈ જશે."
રાજકોટનું નવું એરપોર્ટ અમદાવાદ એરપોર્ટની વધતી જતી જરૂરિયાતને પણ હળવી કરશે. સાથે જ આ એરપોર્ટને રાજકોટ, ગુજરાત અને આસપાસના રાજ્યોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.
RInfraનો જ એક ભાગ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ E & C છે. RInfraને એક હજાર કિમી રસ્તાઓ બાંધવાનો, 140 મેગાવૉટ સોલર પાવર, 4 હજાર કિમી ટ્રાન્સમિશન પાવર અને 9 હજાર મેગાવૉટ થર્મલ પાવર આપવાનો અનુભવ છે. અને આ અનુભવના કારણે જ તેમને પ્રોજેક્ટ મળ્યો છે.