લોકસભાના બંને ઉમેદવાર તેમજ વિધાનસભાના ઉમેદવારોનું મતદાન: જિલ્લા કલેકટર અને ગુજરાત રાજ્યના મંત્રીએ પણ મત આપ્યા: રાજ્યસભાના સાંસદએ પણ આપ્યો મત  
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર લોકસભા અને 77 ગ્રામ્ય વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી માટેનું આજે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે લોકસભાના બંને ઉમેદવારો તેમજ 77 ગ્રામ્ય વિધાનસભાના બંને ઉમેદવારો ઉપરાંત ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી રાજ્ય મંત્રી જિલ્લા કલેકટર મેયર સહિતના અગ્રણીઓ દ્વારા આજે સવારે પોતાના જુદા-જુદા મતદાન મથકો ઉપર પરિવાર સહિત મતદાન કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લાના સાંસદ અને લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમેબન માડમે આજે સવારે 10 વાગ્યે પોતાના મતદાન મથક નવાગામ (ઘેડ) ગાયત્રી ચોક વિસ્તારમાં આવેલ મતદાન મથક ઉપર પોતાના માતા-ભાભી સહિતના પરિવારજનો સાથે મતદાન કર્યું તેજ રીતે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કન્ડોરીયાએ કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામમાં આવેલા મતદાન મથક પરથી પોતાના મત આપ્યો હતો.
ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આરસી ફળદુએ કાલાવડમાં ભાડુકીયા નાકા શાખામાંથી આવેલા મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જયારે રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ પોતાના પત્નિ કોર્પોરેટર પ્રફુલાબા જાડેજા સાથે ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ શિશુ વિહાર હાઈસ્કૂલના મતદાન મથક પર મતદાન કર્યું હતું પૂર્વ કેબીનેટ મંત્રી વસુબેન ત્રિવેદીએ પણ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. પૂર્વ સાંસદ અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે ગાયત્રી ચોકમાં મતદાન મથકે મતદાન કર્યું હતું જયારે પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
જામનગરના જિલ્લા કલેકટર રવિશંકર અને તેમના પત્ની દ્વારા જામનગરની વિભાજી સ્કૂલમાં આવેલ મતદાન મથક પર મતદાન કરવામાં આવ્યું હતું અને મતદાનની પ્રક્રિયામાં જોડાયેલા સ્ટાફને અભિનંદન આપી સમગ્ર જિલ્લાની જનતાને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. જામનગરના મેયરે એ પણ તેમની પત્નિ સાથે પોતાના મતદાન મથક પર મતદાન કર્યું હતું. 77 ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના ઢંઢા ગામના ગામમાં આવેલા મતદાન મથકે પોતાનું મતદાન કર્યું હતું તે જ રીતે કોંગ્રેસના ઉમેદવાર જેન્તીભાઇ સભાયા દ્વારા પણ પોતાનું મતદાન કરવામાં આવ્યું હતું.
તેમજ રિલાયન્સ ગ્રુપના પ્રેસિડન્ટ અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ખંભાળિયામાંથી પોતાના મતનદાન મથક પરથી મતદાન કર્યું હતું.