લોકસભાની ચૂંટણી રાષ્ટ્રીય ચૂંટણી છે: રાષ્ટ્રના સળગતા પ્રશ્નો આ ચૂંટણી સાથે જોડાયેલા છે: આ દેશનો વિકાસ અને પ્રતિષ્ઠા એ કોણ વધારશે તે વિચાર કરી મતદાન કરવા અપીલ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી   કોંગ્રેસ સ્થાનિક અને ગટરના પ્રશ્નો ઉઠાવી રાજકીય રોટલા શેકવાના પ્રયત્ન કરી રહી છે: એક કરોડ ચોકીદાર છે અને બીજીતરફ ચોરોની જમાવટ છે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 
લોકસભાની ચૂંટણીનો મહાસંગ્રામ બરાબરનો જામ્યો છે ત્યારે ગઈકાલે સાંજે જામનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી આવી પહોંચ્યા હતા અને રણજીતનગર ખાતે સભાને સંબોધન કરી હતી.
જામનગર પ્રતિષ્ઠાભરી બેઠક પર ભાજપના ઉમેદવાર સાંસદ પૂનમબેન માડમ અને કોંગ્રેસના મુળુભાઈ કંડોરીયા ચૂંટણીનો જંગ ખેલી રહ્યા છે અને આ બંને આહીર સમાજના બળિયાઓ વચ્ચે લોકસભાની ચૂંટણીનો ખરાખરીનો ખેલ થઇ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી જામનગર ખાતે સભા સંબોધતી વખતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, એક કરોડ ચોકીદાર સામે ચોરોનો જમાવટ છે, અને આ ચૂંટણી રાષ્ટ્રીય ચૂંટણી છે દેશના વિકાસ અને પ્રતિષ્ઠાની ચૂંટણી છે તો જામનગરની પ્રજાને મતદાન વિચારીને કરવાનું કહ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશાળ જનમેદનીને સંબોધન કરતા જણાવ્યુ હતું કે. કોંગ્રેસ પર પ્રહારો કર્યા અને કહ્યું કે એક તરફ ચોકીદાર છે બીજી તરફ ચોરોની જમાત છે અને ચોર લોકો બીજાને ચોર કહેવા નીકળ્યા છે. ત્યારે ચોરોની જમાત મોદી હટાવો મોદી હટાવોની ઝુંબેશ ચલાવે છે.પરંતુ એ લોકોએ ન ભૂલવું જોઈએ કે સોનિયા-રાહુલ ગાંધી ખુદ જામીન પર છે અને લાલુએ ભ્રષ્ટાચાર કરીને પશુઓનો ઘાસચારો ખાધો હતો એટ્લે અત્યારે જેલની હવા ખાવી પડી છે.
ત્યારે મોદી હટાવવો છે કે ભ્રષ્ટાચાર હટાવવો છે? એ લોકોએ નક્કી કરવાનું છે.કેન્દ્રમાં 5 વર્ષના શાસનમાં એક પણ ભ્રષ્ટાચારનો દાગ કેન્દ્રની સરકાર પર લાગ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ એક ઈમાનદાર વ્યક્તિ છે. ત્યારે આ વખતેનો ચૂંટણીજંગમાં એક તરફ રાષ્ટ્રવાદ છે બીજી બાજુ પરિવારવાદ છે. કોંગ્રેસ પરિવારવાદમાં ફસાયેલી છે. દેશભરમાં અબ કી બાર ફિરસે મોદી સરકારનો બુલંદ અવાજ ગુંજી રહ્યો છે. જેની સામે પણ મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ પોતાનો વડાપ્રધાનનો ઉમેદવાર જાહેર કરે શા માટે કોંગ્રેસ આવું નથી કરતી કારણ કે ત્યાં બધાને વડાપ્રધાન થવું છે તેવી વાત કરીને એવો પણ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ ઘુસણખોરોને પનાહ આપે છે. રાષ્ટ્રહિતમાં કાર્યવાહી સામે કોંગ્રેસ સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગે છે તે મુદ્દે પણ રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. આ વખતે જનતા કોંગ્રેસનો સફાયો કરવાની છે. સાથોસાથ અતિ મહત્વના કાશ્મીર મુદ્દાને લઈને જણાવ્યુ હતું કે ૩૭૦ની કલમ હટાવવાની એવું કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં છે.ત્યારે આ ચુંટણીનું ખુબ મહત્વની બની કે, ત્રાસવાદીઓનો સફાયો મોદી સરકારે કર્યો છે. એટલે જ આ વખતની ચૂંટણી ભારત અને પાકિસ્તાન વચ્ચે છે. જ્યારે લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમ પ્રવચન આપવા ઉભા થતાની સાથે જ વિશાળ જનમેદનીમાંથી “પૂનમબેન તુમ આગે બઢો..હમ તુમ્હારે સાથ હૈ..”ના સૂત્રોચ્ચારથી વિશાળસભા ગાજી ઉઠી હતી. ત્યારે પૂનમબેન માડમે પણ વિશાળ જનમેદનીને સંબોધન કરતા જણાવ્યુ હતું કે ભાજપના શાસનમાં છેવાડાના જામનગર જેવા જિલ્લાની અવલ્લ નોંધ પાછલા 5 વર્ષમાં લેવાઈ છે.
આ વિસ્તારના ૧૩ વર્ષથી અનેક પ્રશ્નનો પડતર હતા તેનું નિરાકરણ કરવામાં સફળતા મળી તે વાતનો આનંદ પણ પૂનમબેને વ્યક્ત કર્યો હતો,વધુમાં કેન્દ્ર સરકારે ૩ નેશનલ હાઈવેની આ જિલ્લાને ભેટ આપીને વિકાસની યાત્રામાં વધુ આગળ વધી રહ્યા છે.પૂનમબેને જીતનો શ્રેય ભાજપની ટીમને આપતા કહ્યું કે જીત વ્યક્તિગત કે પાર્ટીની નથી હોતી તે આખા વિસ્તારની જીત હોય છે તે વાત પર ભાર મૂક્યો હતો. રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે આગામી લોકસભાની ચૂંટણી પર દુનિયાની નજર છે. ત્યારે કોંગ્રેસ વર્ષોથી ગુજરાતને અન્યાય કરીને સરદાર સરોવર ડેમના દરવાજા લગાડવા માટે કોઈ કામ કર્યું નહીં અને કેન્દ્રમાં ભાજપ સરકાર આવતા નર્મદા ડેમના દરવાજા લગાવવાની મંજૂરી તાબડતોબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપીને ગુજરાતના ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો હતો, ત્યારે હાઈવે, રેલવે સહિતના મહત્વના વિકાસના કામો ફળદુએ વર્ણાવ્યા હતા અને દ્વારકા મરીન પોલીસ એકેડમીની પણ કેન્દ્ર સરકારે ભેટ આપી છે.
આ સભામાં રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજ્યકક્ષાના મંત્રી હકુભા જાડેજા, લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ, મેયર હસમુખભાઈ જેઠવા,
સુભાષ જોષી, શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, વિધાનસભાના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલ, મુળુભાઈ બેરા, જિલ્લા પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, ચીમનભાઈ સાપરીયા, મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા,  ડો. વિમલભાઈ કગથરા, પ્રકાશભાઈ બાંભણીયા, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, દિવ્યેશ અકબરી, જડીબેન સરવૈયા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા  વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.