મ્યુનિ પટાંગણમાંજ વાલ લીકેજ થતા પાણીનો વેડફાટ: લોકોએ પોતાના વાહન સર્વિસનો લાભ લીધો 
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાં એક તરફ ભારે જળ સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે પાણી વિતરની જવાબદારી સંભાળનારા જામનગર મહાનગરપાલીકાના વહીવટી તંત્રમાં જ દિવા તળે અંધારૂ જેવો ઘાટ ઘડાયો છે, જામનગર મહાનગરપાલીકાના પટાંગણમાં આવેલી પાણીનો વાલ્વ લીકેજ થતા વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો વેડફાયો હતો અને પટાંગણમાં પાણીના રેલા આવ્યા હતા જો કે પાછળથી લીકેજ દૂર કરી પાણીને કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અને લોકોએ પોતાના વાહન સર્વિસનો પણ લાભ લીધો હતો.
જામનગર મહાનગરપાલીકાની કચેરીના પટાંગણમાં મુખ્ય બિલ્ડીંગની નજીક પાણીનો વાલ્વ આવેલો છે અને ત્યાંથી જ સમગ્ર જામનગર મહાનગરપાલીકાના બિલ્ડીંગોમાં પાણી પુરૂ પાડવામાં આવે છે જે વાલ્વમાં આજે સવારે લીકેજ થતા ફુવારાઓ ઉડ્યા હતા અને મોટા પ્રમાણમાં પાણીનું લીકેજ શરૂ થઇ ગયું હતું અને થોડા ક્ષણોમાં ચારે તરફ પાણી ફેલાઈ ગયું હતું.
જામનગર મહાનગરપાલીકાની કચેરીમાં રજા હોવાથી પાણી વેડફાટની મોડેથી જાણ થઇ હતી અને વોટર વર્કસ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લીકેજ દુર કર્યું હતું, ત્યાર સુધીમાં પટાંગણમાં ચોતરફ પાણીના રેલા ઉતર્યા હતા અને દૂર સુધી રેલાયા હતા સફાઈ કામદારોની ટીમ પણ દોડી આવી હતી અને પાણી કાઢયાનુ શરૂ કરી દીધું હતું જામનગર મહાનગરપાલીકા કે જેના દ્વારા જામનગર શહેરમાં પાણી વિતરણ કરવામાં આવે છે જેની કચેરીમાં જ કારમી પાણી તંગી વચ્ચે પાણીનો વેડફાટ થયેલો જોવા મળતા ચર્ચા જાગી છે અને પાણી ના ફુવારાઓ થતા હતા ત્યારે લોકોએ ગાડી સર્વિસનો પણ લાભ ઉઠાવ્યો હતો.