શિવરાજપુર બીચ નો પ્રવાસનધામ તરીકે વિકાસ થાય તે દિશામાં રાજ્ય સરકાર વિચારાધીન: દેવભૂમિ દ્વારકા ખાતે દ્વારકાધીશ ના દર્શન કરતા  વિજયભાઈ રૂપાણી: મુખ્યમંત્રીશ્રીના હસ્તે દ્વારકાના સુદામા સેતુ ચોક ખાતે આદિ શંકરાચાર્ય ની પ્રતિમાનું અનાવરણ કરાયું

જામનગર મોર્નિંગ - જામનગર 
''ગુજરાત વાયુ વાવાઝોડા માંથી સહી સલામત ઉગરી જતા આજે હું ભગવાન દ્વારકાધીશને માથું ટેકવવા આવ્યો છું" તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે દ્વારકા ખાતે આવેલ જગપ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિરની મુલાકાત વેળાએ જણાવ્યું હતું. 
મુખ્યમંત્રીશ્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પાદુકાનું પૂજન પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તાજેતર ના ભૂતકાળ માં જયારે ગુજરાત ઉપર વાયુ વાવાઝોડાનો ખતરો હતો ત્યારે મેં ભગવાન દ્વારકાધીશને અને સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી કે ગુજરાતને આ વાવાઝોડાની અસરથી મુક્ત રાખે અને ગુજરાત આ  વાવાઝોડા માંથી સહી સલામત રીતે ઉગરી જાય. એ સન્દર્ભ માં  આજે હું દ્વારકાધીશ ને માથું ટેકવવા આવ્યો છું અને આવતીકાલે હું સોમનાથ દાદાના દર્શને પણ જવાનો છું.
મુખ્યમંત્રીશ્રી આ તકે દ્વારકા પાસે આવેલ શિવરાજપુર બીચ નો પ્રવાસન ધામ વિકાસ થાય તે દિશામાં રાજ્ય સરકાર વિચારણાધિન હોવાનું પણ જણાવ્યું હતુ.
આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીના હસ્તે કેન્દ્ર સરકારની HRIDAY અંતર્ગત દ્વારકા નગરપાલિકા દ્વારા ગોમતીપુર ઘાટ પાસે આવેલ સુદામા સેતુ ચોકમાં નિર્માણ પામેલ શ્રી આદિ શંકરાચાર્યની  પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દંડીસ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીએ એ મુખ્યમંત્રીશ્રીને ગુરુ ગાદી નું અને પાદુકાનું પૂજન કરાવ્યું હતું. દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના ઉપાધ્યક્ષ શ્રી ધનરાજભાઇ નથવાણીએ મુખ્યમંત્રીશ્રીનું દ્વારકાધીશ ભગવાનની મૂર્તિ આપી તેમજ દ્વારકા સ્થિત કાન્હા વિચાર મંચ ના સભ્યો એ મુખ્યમંત્રીશ્રીને કૃષ્ણની છબી આપી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી સાથે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદશ્રી પૂનમબેન માડમ, જિલ્લા કલેકટર શ્રી નરેન્દ્રકુમાર મીના, રાજકોટ રૂરલ એસ.પી. શ્રી બલરામ મીના, પ્રાંત અધિકારી શ્રી ડી.વી. વિઠલાણી, શારદાપીઠના બ્રહ્મચારી  નારાયણાનંદજી, યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેક્ટર શ્રી રમેશભાઈ હેરમા, નગરપાલિકાના પ્રમુખ શ્રી જીતેશ માણેક, ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ જાખરીયા, અગ્રણીઓ સર્વશ્રી હરિભાઈ, મોહનભાઈ સહિત નગરપાલિકાના સદસ્ય તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.