25મીએ હાઈકોર્ટમાં સુનાવણી
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લા સહકારી બેંક હાલ કોંગ્રેસના કબજામાં છે. જીવણભાઈ કુંભરવડિયા બેંકના એમ.ડી. છે ત્યારે બેંકના જ ડાયરેટર્સ દ્વારા મનસ્વી નિર્ણયો સામે રોષે ભરાઈને સોમવારે થનારી બેંકની સામાન્ય સભા સામે સ્ટે લઈ આવતા સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. બળવાના એંધાણો મળી રહ્યાં છે ત્યારે આ સ્ટે સામે બેંક પણ હાઈકોર્ટમાં જતાં હાઈકોર્ટે આગામી તા.25 મીના રોજ સુનાવણી યોજતા સહકારી ક્ષેત્રમાં સનસનાટી મચી જવા પામી છે.
જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભા સોમવારે સવારે 11 કલાકે સાત રસ્તા પાસે આવેલા ઓશવાળ સેન્ટરમાં રાખવામાં આવી હતી. પરંતુ સામાન્ય સભાના આયોજન બાબતે બેંકના હોદેદારો વચ્ચે મતભેદ થતાં વાઇસ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા અને ચાર ડીરેકટર્સએ સામાન્ય સભા બોલાવ્યા પહેલાં બોર્ડ ઓફ ડિરેકટરની મિટિંગ બોલાવવી જોઈએ. બેંક તથા બેંકના કેટલાક હોદેદારો બેંકની એજન્ડા નોટિસની જાણ કર્યા સિવાય બોર્ડ મિટિંગ બોલાવેલી છે. ચેરમેન, ડિરેકટર તેમની મનસૂફી મુજબ વારંવાર ઠરાવ કર્યા સહીતના મુદે બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટ (અમદાવાદ વિભાગ)માં સામાન્ય સભા સામે મનાઈ અરજી માંગતો કેસ દાખલ કર્યો હતો. જેની સામે કોર્ટે સ્ટે આપ્યો હતો.
બીજી તરફ નોમિનીઝ કોર્ટના સ્ટે ઓર્ડર સામે જિલ્લા સહકારી બેંકના પ્રવર્તમાન હોદ્દેદારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં. હાઈકોર્ટ તાત્કાલિક રાહત આપશે એવી આશાએ આજે સામાન્ય સભા યોજવા તમામ તૈયારી પૂર્ણ કરી લીધી હતી. મોટા ભાગના હોદ્દેદારો હાજર થયાં હતાં. પરંતુ હાઈકોર્ટે આ ચકચારી કેસમાં હાઈકોર્ટે આગામી તા.25ના રોજ સુનાવણી યોજી છે. જેને પગલે નવા-જુનીના સાફ-સાફ સંકેતો મળી રહ્યાં છે. જામનગર સહકારી બેંક કોંગ્રેસના કબજામાં છે ત્યારે બેંકમાં સત્તા પરિવર્તન કરવા માટે ભાજપ દ્વારા હિલચાલ કરવામાં આવતી હોવાનો અહેવાલ અગાઉ ‘નવાનગર ટાઈમ’એ પ્રસિદ્ધ કર્યો હતો. તેવામાં બેંકના વાઈસ ચેરમેન પ્રવીણસિંહ ઝાલા તેમજ અન્ય ચાર ડીરેકટર્સનો અસંતોષ સામે આવતા આગામી દિવસોમાં સહકારી ક્ષેત્રમાં નવા-જૂની થવાના એંધાણ દેખાય રહ્યા છે.
જામનગર સહકારી બેંકના એમ.ડી. જીવણભાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ નોમીની કોર્ટ દ્વારા સામાન્ય સભા અંગે સ્ટે આપવામાં આવ્યો છે તેની સામે બેંક પણ હાઈકોર્ટમાં ગયેલ હોય સુનાવણી હાથ ધર્યા બાદ સામાન્ય સભા યોજવા અંગે ચિત્ર સ્પષ્ટ થશે તેવું જણાવી આ મામલે કાનૂની લડત આપનાર હોવાનું જણાવ્યું હતું.