જામનગરના સામાજીક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા ગંભીર આક્ષેપ   
જામનગર મોર્નિંગ  - જામનગર 
જામનગર શહેરમાં અનેક વૉર્ડમાં છેલ્લા ઘણા સમયથી મોટાપાયે  ગેરકાયદેસર બાંધકામો ચાલી રહ્યા છે, જે અંગે શહેરના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સામાજીક કાર્યકર દ્વારા ટીપીઓ શાખાને ગેરકાયદેસર બાંધકામો અંગે આધાર પુરાવા સાથે અનેક વખત રજુઆત કરવામાં આવી હતી, અનેક વખત રજૂઆત કરવામાં આવ્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી તેમજ પોતાની ફરજમાં બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે. ટીપીઓ શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ વિરુદ્ધ માત્ર નોટિસો આપી આગળ કાર્યવાહી ના કરતા બાંધકામ કરનારાઓને મોકળુ  મેદાન મળી જતું  હોય તેવી રીતે ગેરકાયદેસર બાંધકામ પૂરું કરી દેતા હોય  છે. રાજ્ય સરકારના તમામ નિયમો વિરુદ્ધ થતા આ ગેરકાયદેસર બાંધકામો ના થાય તે જોવાની જવાબદારી ટીપીઓ શાખાની છે.પરંતુ ટીપીઓ શાખા માત્ર નોટિસો આપી આગળની કાર્યવાહી ના કરતુ હોય શહેરભરમાં ગેરકાયદેસર બાંધકામો દિવસેને દિવસે વધી રહ્યા છે. જે રીતે ટીપીઓ શાખા ગેરરીતિ આચરી બાંધકામ કરનારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી માત્ર 260 (1) , 260 (2) મુજબ નોટિસો આપી પોતાની જવાબદારી ખંખેરે છે. જયારે મનપાના એસ્ટેટ વિભાગના અધિકારીઓ પણ પોતાની જવાબદારી વિવાદસ્પદ રીતે નિભાવી રહ્યા છે. કાયદાની જોગવાઈ મુજબ 260 (1) , 260 (2) મુજબ ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને નોટિસ અપાયા બાદ ગેરરીતિથી કરવામાં આવેલ આ બાંધકામો તાત્કાલિક અસરથી તોડી પાડવાની જવાબદારી એસ્ટેટ વિભાગની છે. પરંતુ એસ્ટેટ વિભાગના અધિકારી પણ ઉપરછલુ કામ દેખાડી પોતાની ફરજમાં બેદરકારી દાખવી રહ્યા છે. શહેરમાં એક તરફ ટ્રાફિકની સમસ્યા અને પાર્કિંગની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે આવા ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક અસરથી રોકવા તે મનપાના જવાબદાર તંત્રની ફરજમાં આવે છે. પરંતુ મનપાની ટીપીઓ શાખા અને એસ્ટેટ શાખા પોતાની ફરજમાં બેદરકારી દાખવી રહ્યું હોય અને ગેરકાયદેસર બાંધકામ કરનાર સાથે ઢીલી નીતિ અપનાવી ગેરકાયદેસર બાંધકામો પુરા કરવામાં આવે છે તે અંગે શહેરના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સામાજીક કાર્યકર ભાવિક હર્ષદભાઈ પાબારી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.