મોર્નિંગ - પોરબંદર
વિશ્વભરમાં ફેલાયેલા નોવેલ કોરોના વાઇરસ કોવીડ -૧૯ સામે લડવા માટે દરેક દેશ પોતાની કુનેહ પૂર્વક આગળ વધી રહ્યા છે. કોવીડ -૧૯ના વાઇરસને ભારતમાં ફેલાતો અટકાવવા અને સંક્રમણ ઘટાડવા માટે દેશ સંપૂર્ણ પણે ૨૧ દિવસ માટે લોકડાઉન કરાયો છે. જેમાં જીવન જરૂરિયાતની સેવાઓ સિવાઈ તમામ પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ તા.૨૪/૦૩/૨૦૨૦ થી ૧૪/૦૪/૨૦૨૦ સુધી લગાવવામાં આવ્યો છે. ૨૧ દિવસના લોકડાઉન દરમ્યાન ગરીબ,શ્રમિક અને રોજમદાર પરિવારોને જીવન જરૂરી અનાજની કીટ મળી રહે,આ મહામારી સામે લડી શકાય તેમજ આરોગ્ય ક્ષેત્ર જરૂરી કામગીરી કરી શકાય તેવા હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ઉદ્યોગપતિઓ,સામાજિક આગેવાનો અને નાગરિકોને પ્રધાનમંત્રી રાહત ફંડમાં ઉદાર હાથે આર્થિક યોગદાન આપવા અપીલ કરાઈ હતી.

પ્રધાનમંત્રીની અપીલને આવકારી તેમજ નોવેલ કોરોના વાઇરસ કોવીડ -૧૯ સામે દેશ ઉદારતા પૂર્વક લડી શકે તેવા હેતુથી પોરબંદરના વતની અને શ્રી મારૂતિ કુરીયર સર્વિસના ચેરમેન રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા પ્રધાનમંત્રી રાહત નિધિ ફંડમાં ૧ કરોડ અને ૮ લાખ જેટલી રકમનું દાન કરવામાં આવ્યું છે. વધુમાં રામભાઈએ જણાવ્યું હતું કે આ મહામારીની લડતમાં આપણે સૌએ વહીવટી તંત્રને પુરતો સહયોગ આપવો જોઈએ તેમજ ઘરમાં જ સુરક્ષિત રહેવું જોઈએ બિન જરૂરી બહાર ના નીકળવા વિનંતી કરી હતી.