જામનગર મોર્નિંગ – ખંભાળીયા તા.૧૧ : દેવભૂમિ દ્વારકા જીલ્લાની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ શરુ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જીલ્લા નોંધણી નિરીક્ષકની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દસ્તાવેજ નોંધણી કરાવવા ઇચ્છતા તમામ અરજદારો/પક્ષકારો તથા દસ્તાવેજની કામગીરી સાથે સંકળાયેલ વકીલો , બોન્ડ રાઈટરો અને ઈ-સ્ટેમ્પિંગ સેન્ટર ધારકોને જાણ કરવામાં આવે છે કે નીચેની શરતોને આધીન દેવભૂમિ દ્વારકા જીલ્લાની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજની નોંધણી, સર્ચ રીપોર્ટ,મોર્ગેજ ડીડ અને રિલીજ ડીડની સેવાઓ શરુ કરવામાં આવેલ છે.

(૧) પક્ષકારોએ નોંધણી માટે ઓનલાઈન એપોઈન્મેન્ટ ફરજીયાત લેવાની રહેશે. (૨) ઓનલાઈન ઈ-પેમેન્ટથી નોંધણી ફી ભરેલ દસ્તાવેજોની જ નોંધણી થઇ શકશે. (૩) બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછું છ ફૂટ જેટલું અંતર જાળવવાનું રહેશે. (૪) દરેક પક્ષકારોએ માસ્ક પહેરવું, સોસીયલ ડિસ્ટન્સ જાળવવું અને કચેરી માંથી આપવામાં આવતા સેનેટાઈઝરનો ઉપયોગ કરીને હાથ સ્વચ્છ કરવાના રહેશે. (૫) દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દ્વારકા તાલુકાના બેટ દ્વારકા, જામ ખંભાળીયા તાલુકાના સલાયા, નાના આંબલા, નાના માંઢા, મોટા આંબલા, કજુરડા અને ટીંબડી વિગેરે જાહેર થયેલા કન્ટેઈનમેન્ટ/બફર ઝોનમાં વસતા તથા ભવિષ્યમાં જો કોઈ વિસ્તાર કન્ટેઈનમેન્ટ/બફર ઝોન જાહેર થાય તો તેમાં વસવાટ કરતા અરજદારો સિવાયના અરજદારો માટે જ નોંધણી,સર્ચ રીપોર્ટ,મોર્ગેજ ડીડ અને રીલીઝ ડીડની સેવાઓ શરુ કરવામાં આવેલ છે.