ભાણવડ - પોરબંદર રોડ રાણપર ગામે પાસે બંધ કરાયાની તસ્વીર.
જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા. 8 : અમદાવાદ, સુરત સહિતના શહેરો કોરોના સંક્રમિત રેડ ઝોન વિસ્તાર માંથી લોકો સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી રહ્યા હોવાના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે.  લોક ડાઉનના પગલે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પ્રથમ 40 દિવસ સુધી એક પણ કોરોના નો પોઝિટિવ કેસ સામે આવ્યો ના હતો. ત્યારે હાલમાં રાજસ્થાનથી આવેલા ત્રણ લોકો જેમાં 2 વ્યક્તિ બેટ દ્વારકાના અને એક સલાયાનાનો કેસ પોઝિટિવ આવ્યો ત્યારબાદ અમદાવાદથી ભાણવડ આવેલ એક વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવેલ. આમ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલ તમામ ચારેય કેસ બહારથી આવેલ વ્યક્તિઓમાં આવેલ છે. 

હાલ કોરોના સંક્રમિત વિસ્તારથી લોકો દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ચોરી - છુપીથી કે ગેરકાયદેસર રીતે પ્રવેશી ના શકે તે માટે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અન્ય જીલ્લામાંથી પ્રવેશતા નીચે મુજબના રસ્તાઓ બંધ કર્યા અંગેનું કલેક્ટરશ્રી દેવભૂમિ દ્વારકાએ જાહેરનામું બહાર પાડ્યું છે.

જાહેરનામામાં જણાવ્યા મુજબના જેમાં રાજ્ય ધોરી માર્ગોમાં, ખંભાળીયા - અડવાણા - પોરબંદર રોડ અડવાણા પાસે,  ભાણવડ - નાગકા - પોરબંદર રોડ રાણપર પાસે અને ખંભાળીયા - લાલપુર રોડ પીર લાખાસર પાસે બંધ કરાયા છે.  તેમજ જીલ્લા પંચાયત હસ્તકના એક જીલ્લાથી બીજા જીલ્લા સુધી જોઈન્ટ થતા રોડ જેમાં રેટા કાલાવડ - સણખલા ટુ જોઈન એસ. એચ રોડ, રાણા રોજીવાડા એસ. એચ. રોડ, ભવનેશ્વર - ઝારેરા રોડ ઝારેરા ગામ પાસે, ડિસ્ટ્રિક્ટ લિમિટ ટુ હાથલા - ગડુ ટુ એસ. એચ. રોડ, જસાપર - સતાપર રોડ, જોશીપુરા - જંબુસર ટુ જોઈન એમડીઆર, ભણગોર - જોગરા - શેઢાખાઈ રોડ, જામપર - મોરઝર ટુ જોઈન એસ. એચ. રોડ, કબરકા - ભોરીયા કરશનપુર ટુ ભોરીયા એસ. એચ. રોડ, વાનાવડ - સતાપર રોડ આ તમામ રોડ સંપૂર્ણ પણે બંધ કરાયા છે. આ રોડ પરથી કોઈ વ્યક્તિ અવર - જવર કરી શકશે નહી.