જામનગર મોર્નિંગ -નવી દિલ્હી
દિલ્હી હાઈકોર્ટે ઓએલએક્સ ઈન્ડિયા અને ક્વિકર ઇન્ડિયાને તેમની વેબ પોર્ટલ્સ પર જિયો જોબ્સ અને રિલાયન્સ ટ્રેન્ડ્સ જોબ્સ શબ્દોનો ઉપયોગ કરીને ભરતીની બનાવટી જાહેરાતો પોસ્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રકારની બનાવટી જાહેરાતો પોસ્ટ કરવાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ) ની સાખને નુકસાન થયું હોવાનો આરોપ કંપનીએ અરજીમાં કર્યો હતો. 
ન્યાયાધિશ મુક્તા ગુપ્તાએ વચગાળાના બે અલગ અલગ આદેશોમાં જણાવ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ આરઆઇએલ અને રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડની તરફેણમાં કેસ બને છે અને આ કેસમાં વચગાળાનો પ્રતિબંધ મૂકવાની મંજૂરી ન આપવામાં આવે તો બચાવ પક્ષની કંપનીઓને ભરી ન શકાય એવું નુકસાન થશે.
હાઈકોર્ટે ગુરુવારે આરઆઈએલ દ્વારા દાખલ કરવામાં આવેલા બે દાવા પર આદેશો આપતા જણાવ્યું છે કે, જિયો અને રિલાયન્સના ટ્રેડમાર્કના માલિકોની સાખને આરોપી ઓએલએક્સ ઇન્ડિયા બીવી અને ઓએલએક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તથા ક્વિકર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે નુકસાન પહોંચાડ્યું છે અને તેમની સાખને ભરપાઈ ન થાય એવી હાનિ થઈ છે.  
દાવામાં જણાવવામાં આવ્યું હતું કે, આરોપીઓની વેબ પોર્ટલ્સ પર ભરતી કરવાની બનાવટી જાહેરાતો પ્રકાશિત થઈ હતી, જે જિયો જોબ્સ, રિલાયન્સ ટ્રેન્ડ્સ જોબ્સ જેવા વિવિધ શબ્દો સાથે સુલભ છે તથા આ જિયો અને રિલાયન્સના ટ્રેડમાર્ક અને ટ્રેડ નેમનું ઉલ્લંઘન છે. એમાં કહેવાયું હતું કે, ટ્રેડમાર્કનો ઉપયોગ અને નિર્દોષ બેરોજગારો સાથે છેતરપિંડી છે અને તેમની પાસેથી નાણાં મેળવવામાં આવે છે.
ક્વિકર સામે દાખલ કરવામાં આવેલા દાવામાં જણાવવામાં આવ્યું હતું કે, વેબ પોર્ટલ ઓનલાઇન રિક્રૂટમેન્ટ વેબસાઇટ તરીકે કામ કરીને ખાલી જગ્યાઓની જાહેરાત માટે ઉપભોક્તાઓને સુવિધા આપે છે. ઓએલએક્સ ઇન્ડિયા માટેના વકીલે હાઈ કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો કે, તેમણે કેટલીક યુઆરએલ દૂર કરી છે અને ટેકનિકલ કારણોસર એક યુઆરએલને દૂર કરી શકાઈ નથી અને કંપનીએ આ માટે પ્રક્રિયા હાથ ધરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, તેમણે જિયો અને રિલાયન્સ શબ્દો સાથે ફિલ્ટરો પણ ઉમેર્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ ખોટી જાહેરાતો સાથે તેમના પ્લેટફોર્મનો દૂરુપયોગ ન કરી શકે અને રોજગારી મેળવતા લોકો સાથે છેતરપિંડી ન થાય. વળી એનાથી તેમના ટ્રેડમાર્ક કે ટ્રેડનામોનો દુરુપયોગ ન થાય.
ક્વિકર ઇન્ડિયાના વકીલે કહ્યું હતું કે, એની પોર્ટલ પર લિસ્ટિંગ ઓટોમેટિક થાય છે અને વેબ પોર્ટલ પર મોટી સંખ્યામાં લોકો તેમની જાહેરાતો મૂકે છે તથા સિસ્ટમ ઓટો ગ્રાન્ટેડ હોવાથી વેબપોર્ટલ થર્ડ પાર્ટીઓની અધિકૃતતા નક્કી કરવાની કોઈ વ્યવસ્થા ધરાવતી નથી.
વકીલે કહ્યું હતું કે, જ્યારે જિયો કે રિલાયન્સ બેમાંથી કોઈ પણે ફરિયાદ કરી છે, ત્યારે આરોપીએ સંબંધિત યુઆરએલ દૂર કરી છે અને આ કેસમાં પણ બંને યુઆરએલ બનાવટી હોવાની માહિતી મળતા તાત્કાલિક એને દૂર કરવામાં આવી હતી.
ક્વિકરના કેસમાં આપેલા પોતાના આદેશમાં હાઈ કોર્ટે સુનાવણીની આગામી તારીખ સુધી આરોપીઓ, એના એજન્ટો, કર્મચારીઓ, સંલગ્ન સંસ્થાઓ-વ્યક્તિઓને પણ તેમની પોર્ટલ પર જિયો અને રિલાયન્સ નામ/ચિહ્ન, જેમાં વિવિધ ફરક અને/અથવા અન્ય કોઈ પણ ચિહ્ન સાથે જાહેરાત મૂકવાનો પ્રતિબંધ મૂક્યો છે, જે જિયો અને રિલાયન્સના રજિસ્ટર્ડ ટ્રેડમાર્કને મળતો આવતો હોય અને જેથી કોઈ ગૂંચવાડો કે ભ્રમ પેદા ન થાય.
હાઈ કોર્ટે ઓએલએક્સ ઇન્ડિયા અને ક્વિકર ઇન્ડિયાને આ દાવા પર સમન્સ પણ પાઠવ્યું હતું અને 21 સપ્ટેમ્બરના રોજ આ બાબતે વધુ સુનાવણી કરવાની જાહેરાત કરી હતી. હાઈ કોર્ટે આ દાવાના જવાબમાં ઓએલએક્સ  ઇન્ડિયા અને ક્વિકર ઇન્ડિયાને લેખિત નિવેદન ફાઇલ કરવા જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, સોગંદનામું તેમણે અમલ કરેલી પ્રક્રિયાનો સંકેત આપશે તેમજ ખંતપૂર્વકની કામગીરી અને સાવેચતી લેવામાં આવી છે એવું પણ સૂચવશે, જેથી આરોપીઓના પ્લેટફોર્મનો દુરુપયોગ ન થાય અને એના પર ગેરકાયદેસર જાહેરાતો પોસ્ટ ન થાય.