જામનગર મોર્નિંગ - જામનગર તા.15 : જામનગરમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વિવિધ વિકાસના કામોના ખાતમુર્હત લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે જામનગર શહેર તથા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને આવેદન આપવાનો કાર્યક્રમ ઘડાયો હતો.

કોંગ્રેસ સમિતિના આવેદન પત્રમાં જણાવ્યા મુજબ દેશભરની સાથે ગુજરાતમાં કોરોના મહામારી સમયે પ્રજાને માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સના નામે લોકો પાસેથી કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે એક બાજુ મહામારી અને લોક ડાઉનના કારણે લોકો બેરોજગાર અને આર્થિક તંગીનો શિકાર બન્યા હતા ત્યારે પડ્યા પર પાટુ સમાન સરકારએ માસ્કના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા.

જયારે ભાજપ સરકારના નેતા કે કાર્યકરોને કોઈ દંડ કરતુ નથી ત્યારે આમ જનતાનો શું દોષ એવા આક્ષેપ સાથે કોંગ્રેસએ સરકારને પ્રજા પાસેથી વસુલેલ દંડ પરત કરવા અને હવે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સના દંડથી રાહત આપવા કોર્ટમાં અપીલ કરવા જણાવ્યું હતું.

આવેદન પત્ર આપવા કોંગ્રેસી કાર્યકરો મુખ્યમંત્રી સમક્ષ પહોંચે તે પહેલા સાતરસ્તા નજીકથી તેમની અટકાયત કરવામાં આવી હતી.