• જીલ્લા કલેકટરશ્રીએ વયોવૃદ્ધ મતદારોનું સન્માન કર્યું હતું.
  • જામનગરની આણદાબાવા સેવા સંસ્થાના મહિલા વૃદ્ધાશ્રમ ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સંયુક્ત ઉપક્રમે  રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ.

જામનગર મોર્નિંગ - જામનગર તા.૨૫ જાન્યુઆરી, જામનગરની આણદાબાવા સેવા સંસ્થાના મહિલા વૃદ્ધાશ્રમ ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સંયુક્ત ઉપક્રમે  રાષ્ટ્રીય મતદાતા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. કલેકટર શ્રી રવિશંકર તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે મહિલા વૃદ્ધાશ્રમના વયોવૃદ્ધ માતાઓનું વયોવૃદ્ધ મતદાતા તરીકે શાલ ઓઢાડી  સન્માન કરવામાં આવ્યું.
આ તકે કલેકટરશ્રીએ કહ્યું હતું કે, ૨૫ જાન્યુઆરી ૧૯૫૦માં બંધારણ મુજબ ચૂંટણી આયોગની સ્થાપના થઇ અને દેશની લોકશાહીને મજબુત કરવાની આ અમૂલ્ય પ્રક્રિયાનો પ્રારંભ થયો, ત્યારે વૃદ્ધાશ્રમ ખાતે ઉપસ્થિત વયોવૃદ્ધ માતાઓ કે જેઓએ અનેક વર્ષોથી લોકશાહીને મજબુત કરવા દરેક પરિસ્થિતિમાં, દરેક ચૂંટણીમાં પોતાનો અમુલ્ય મત આપ્યો છે તેમની રાષ્ટ્ર માટેની સેવા ભાવનને બિરદાવી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેન્દ્ર સરવૈયા, નાયબ ચૂંટણી અધિકારી શ્રી મીતાબેન જોશી, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, સમાજ સુરક્ષા કચેરીના અધિકારીશ્રી પ્રાર્થના શેરસીયા તથા આણદાબાવા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ અને બહોળી સંખ્યામાં વૃદ્ધાશ્રમની માતાઓ ઉપસ્થિત રહ્યા.