• ભાણવડના મેવાસા ગામે વાડી વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ ટપુભાઈ પરેસાના ઘરમાંથી પાંચ લાખ સાડત્રીસ હજારના સોના ચાંદીના દાગીના તથા એક ત્રણ લાખની કિમંતની ક્વીડ કાર મળીને રૂપિયા ૮૩૭૦૦૦/-નો મુદ્દામાલ છરી અને દાતરડાની અણીએ ઘરના લોકોને દબાવી ઝુટવીને હિન્દીભાષી પરપ્રાંતીઓ પલાયન થયા.

 ભરત હુણ - ભાણવડ

જામનગર મોર્નિંગ - ભાણવડ તા.૦૮ : દેવભૂમિ દ્વારકા જીલ્લો વીતેલા થોડા સમયથી લુંટ, હત્યા,ખૂન, ગંભીર મારામારી, ફાયરીંગ અને પોલીસ સામે માફિયા ગીરી કરવામાં બે કદમ આગળ વધી રહ્યો છે. જીલ્લામાં લુંટ, હત્યા અને ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. જીલ્લાના ભાણવડની જ વાત કરીએ તો હમણાં થોડા સમય પહેલા માનપર ગામેથી દાગીનાની મોટી ચોરી થઇ હતી જેનું પગેરું હજી સુધી મળી શક્યું નથી ત્યારે ગતમહિનાઓમાં ભાણવડ ટાઉનમાંથી એક ખેડૂતના હાથમાંથી લાખોની રોકડ લઈને આરોપીઓ નાસી છૂટ્યા હતા જે આરોપીઓતો હમણાં થોડા સમય પહેલા ઝડપાઈ ચુક્યા છે. 

ત્યારે વધુ એક લુંટ ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા ગોરધનભાઈ ટપુભાઈ પરેસા જાતે ચુવાળીયા કોળીના ઘરે ગત મોડી રાત્રે સવા એક વાગ્યાની આસપાસ બુકાનીધારી ચાર વ્યક્તિઓએ તેમના ઘરના હાજર સભ્યોને છરી,દાતરડી અને ધોકાના બળે કબજે કરી અને તેમના ઘરમાંથી સોના - ચાંદીના દાગીના કિમંત રૂપિયા ૫૩૭૦૦૦/- તથા એક ક્વીડ મોટર કાર જેની કિમંત રૂપિયા ૩૦૦૦૦૦/- મળીને કુલ રૂપિયા ૮૩૭૦૦૦/-ની લુંટ ધાડ પાડીને ઘરના સભ્યોને ઘરમાં કેદ કરી મોબાઈલ ફોન પણ લઈને નાસી છૂટ્યા હતા. બાદમાં ઘરના સભ્યોએ રાડારાડી કરતા આજુબાજુના લોકોએ આવીને તેમને ઘર બહાર કાઢ્યા હતા.

બનાવની જાણ થતા ભાણવડ પોલીસ અને ડોગ સ્કોવડની ટીમ સાથે રાત્રેજ નાકાબંધી કરતા ભાણવડથી ત્રીસેક કિમી દુર લાલપુર નજીકથી આરોપીઓ કાર લઈને પસાર થતા પોલીસને જોઇને કાર મુકીને નાસી છૂટ્યા હતા. હાલ ભાણવડ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.જી.સોલંકીની આગેવાની હેઠળ દેવભૂમિ દ્વારકા તથા જામનગર પોલીસ સંયુક્ત રીતે આરોપીઓની શોધખોળની કવાયત હાથ ધરી છે.