જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં એક ખાનગી કંપનીએ પોતાની કચેરી શરૂ કરી છ વર્ષમાં રોકાણની રકમ ડબલ કરી આપવાની લાલચ બતાવી રૂ. સવા બે કરોડનું રોકાણ એકત્ર કર્યા પછી કંપનીના ડાયરેકટર સહિતના વ્યક્તિઓ પલાયન થઈ ગયા હતાં. તેની પોલીસમાં ફરિયાદ થયા પછી એક ડાયરેકટરની ધરપકડ થઈ હતી. આ શખ્સે જામીન મુકત થવા કરેલી અરજી અદાલતે માન્ય રાખી છે.
મળતી વિગત મુજબ જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં સ્કાઈલાર્ક લેન્ડ ડેવલોપર્સ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર લી.નામની પેઢીની કચેરી ચાલુ કરી તેમાં કામ કરતા વ્યક્તિઓએ નગરના રોકાણકારોને પોતાની મૂડી રોકવા અને છ વર્ષમાં તે રકમ ડબલ કરી આપવાની લાલચ બતાવી અંદાજે રૂ. બે કરોડ બાવીસ લાખનું રોકાણ મેળવ્યું હતું. ત્યારપછી આ પેઢીના ડાયરેકટરો રાતોરાત કચેરી બંધ કરી નાશી છૂટતા રોકાણકારોમાં હોબાળો મચી ગયો હતો.
આ બાબતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસે સ્કાઈલાર્ક કંપનીના ડાયરેકટર દિલીપ જૈનની ધરપકડ કરી હતી. આ આરોપીએ અદાલતમાં જામીન અરજી કરતા સરકારી વકીલે દલીલ કરી હતી કે, આ શખ્સ કંપનીના મુખ્ય ડાયરેકટર છે, દેશભરમાં તેની સામે અઢાર ગુન્હા નોંધાયેલા છે, તેણે જુદાજુદા રાજયમાં કંપનીઓ ખોલી લેન્ડ ડેવલોપર્સના નામે નાના રોકાણકારો પાસેથી એકના ડબલની લાલચ બતાવી કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે.
તે ઉપરાંત કંપની સામે મુંબઈ સેબી દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે અને જામનગરમાં પણ આ શખ્સે રૂ. સવા બે કરોડ ઉઘરાવી લીધા છે તેની રીકવરી કરવાની બાકી છે અને હજુ કેટલાંક આરોપીઓને પકડવાના બાકી છે. તે દલીલ સામે આરોપીના વકીલે કરેલી દલીલો માન્ય રાખી અદાલતે આરોપી દિલીપ જૈનને જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો છે. આરો૫ી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા રોકાયા છે.
0 Comments
Post a Comment