• પોલીસ તંત્રએ એક બિલ્ડર સહિત ત્રણ આરોપી અને એક પેઢીના સંચાલક સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ગુનો નોંધ્યો

 જામનગર મોર્નિંગ - જામનગર તા.૧૫, જામનગર શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એકટ અંગેની વધુ એક ફરિયાદ દાખલ કરતાં ભૂમાફિયાઓ માં ભારે હડકંપ મચી ગયો છે. રણજીતનગર વિસ્તારમાં આવેલી આશરે ૧ કરોડ ૬૬ લાખની જમીનના બનાવટી દસ્તાવેજો તૈયાર કરી અને તેના પ્લોટ પાડી જમીન હડપ કરી જવાનો કારસો રચવા અંગે જામનગરના એક બિલ્ડર સહિત ત્રણ શખ્સો સામે અને એક પેઢીના સંચાલક સામે સીટી-સી ડિવિઝન પોલીસ મથક માં લેન્ડ ગ્રેબિંગ એક્ટ નો ગુનો દાખલ કરાતા ભારે દોડધામ મચી ગઇ છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.
 જિલ્લા કલેકટર સમક્ષ અરજી કરાયા પછી પોલીસની ઉંડાણપૂર્વકની તપાસ માં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું અને ગુનો દાખલ કરાયો છે. આરોપીઓ હાલ ફરાર થઈ ગયા હોવાથી પોલીસ તમામને શોધી રહી છે.
 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેતાવાડ વાંઢા નો ડેલો વિસ્તારમાં રહેતા ઈકબાલભાઈ અલારખા ભાઈ મકરાણી નામ ખેડૂત યુવાને પોતાના પિતાના નામની જમીન કે જે રણજીતનગર વિસ્તારમાં ખોડીયાર પાન નજીક આવેલી છે, તે જગ્યાના બનાવટી દસ્તાવેજો તૈયાર કરી જમીન પચાવી પાડવાનો કારસો રચનારા જામનગરના બિલ્ડર રાણસીભાઈ કરશનભાઈ રાજાણી(લાખોટા મિગ કોલોની) ઉપરાંત નરસિંહભાઈ ગોપાલભાઈ ક કાલસરિયા( પંચેશ્વર ટાવર) અને હરેશ લક્ષ્મીદાસ પારેખ( રણજીત નગર નવો હુડકો) ઉપરાંત નાગેશ્વર નોંન ટ્રેડિંગ કોર્પોરેશન ના હોદ્દેદારો વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.
 ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને સીટી-સી ડિવિઝન પોલીસે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલા ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંઘીત) વિધેયક ૨૦૨૦ ની કલમ ૪(૩),૫(ચ) મુજબ ગુનો નોંધી ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. જ્યારે ફરિયાદમાં દર્શાવેલા આરોપીઓ ભાગી છૂટયા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ઈકબાલભાઈ ના પિતા અલ્લારખા હાજી શેખ ની સરવે નંબર ૧૩૨૩ પૈકી-૧ એકર અને ૬ ગુઠા ૩૪ કે જેની કિંમત રૂપિયા ૧,૬૬,૩૨,૫૯૪ લાખ ની થવા જાય છે. જે જમીનમાં આરોપીઓ રણશીભાઈ રાજાણી અને નરસીભાઇ કલસરિયા એ કિશોરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મૃત્યુ પર નકાભાઈ માયાભાઈ ચારણ ના નામે ખરો દસ્તાવેજ કરાવેલો અને તેઓએ આરોપી નંબર ૩ હરેશ લક્ષ્મીદાસ પારેખ ના નામનું કુલમુખત્યારનામું કરી નાગેશ્વર નોન ટ્રેડિંગ કોર્પોરેશન નામની સંસ્થા ઊભી કરાવી હતી. ઉપરાંત ફરિયાદી ઇકબાલભાઈ ના પિતા અલ્લારખ્ખા ભાઈ ની કબજા વાળી જમીન બિલ્ડર રાજાણી ના નામે ખોટો વેચાણ કરાર ઉભો કરી લીધો હતો, અને તેમાં કબજો પણ કરી લીધો હતો. ઉપરાંત નાગેશ્વર ટ્રેડિંગ કોર્પોરેશન ના વહીવટદારોએ તે જમીન બિનખેતી કરાવ્યા વગર પ્લોટ નો નકશો બનાવી તેમાં અલારખા ભાઈ વાળી ૧.૬૬ કરોડ ની જમીન ને પણ પોતે બનાવેલા બોગસ નકશા માં આવરી લઇ તેના પ્લોટ પાડી નાખ્યા હતા.
 જેનું નાગેશ્વર નોન ટ્રેડિંગ કોર્પોરેશન મારફતે કબજા વગરના વેચાણ કરાર થી તેનું વેચાણ પણ કરી નાખ્યું હતું. જે સમગ્ર મામલે લાંબા સમયથી અદાલતમાં કાર્યવાહી ચાલે છે. અને તારીખ ૩૦.૧૦.૧૯૯૯ થી બંને પાર્ટીઓ વચ્ચે કાનૂની લડત ચાલી રહી છે.
 તે દરમિયાન ગુજરાત સરકાર દ્વારા નવો એક્ટ લાગુ કરાયો તેના અનુસંધાને ઈકબાલભાઈ શેખ દ્વારા જામનગરના જિલ્લા કલેકટર સમક્ષ અરજી કરવામાં આવી હતી. જે અરજી ના અનુસંધાને જીલ્લા કલેકટરે જિલ્લા પોલીસ તંત્રને તપાસ કરવા જણાવ્યું હતું. આથી જિલ્લા પોલીસ વડા દ્વારા સીટી-સી ડિવિઝન પોલીસને સમગ્ર પ્રકરણની તપાસ કરવાની નો હુકમ કર્યો હતો.
 જે અનુસંધાને પોલીસ દ્વારા એકાદ સપ્તાહ ની દોડધામ પછી ઉપરોક્ત જમીનના બનાવટી દસ્તાવેજો તૈયાર થયા હોવાનું અને ગેરકાયદે જમીન નો કબજો મેળવી લીધો હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી ઉપરોક્ત ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય પેઢીમાં જે કોઈ વ્યક્તિના નામો ખુલે તેઓ સામે પગલાં ભરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
 જામનગર જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ નો બીજો અને જામનગર શહેર નો પ્રથમ ગુનો નોંધાયો છે. જેને લઇને અન્ય ભૂમાફિયાઓ માં ભારે ફફડાટ મચી ગયો છે.