- આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી ત્યારે પરિવારના ત્રણ સભ્યોના નામ નગરપાલિકાના વોર્ડ નંબર ચાર માંથી કમી કરી અને શક્તિનગર ગ્રામ પંચાયતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. નામ ટ્રાન્સફર કરવાની અરજી ઓનલાઇન કરવામાં આવી છે અને સરનામાંના પુરાવા માટે ખોટા લાઈટ બિલ રજૂ કરવામાં આવ્યું છે
જામનગર મોર્નિંગ - ખંભાળિયા તા.04 : ચૂંટણીના બ્યુગલની સાથે જ રાજકીય પક્ષોએ સામ, દામ અને દંડની ભીતિ અપનાવી પોતાની તરફેણમાં ચુકાદા લાવવા માટે ધમસાણ મચાવી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાંથી એક પરિવારના સભ્યોના નામ ખોટા આધાર પુરાવા રજુ કરી કોઈએ ઓનલાઇન એપ્લિકેશન મારફત નામ કમી કરાવતા ઉહાંપોહ મચવા પામ્યો છે જેમના પરિવારના નામ કમી થયા છે તેજ પરિવારના સભ્ય ગત ટર્મમાં ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને હાલમાં પણ તેમનું ઉમેદવાર તરીકે સંભવિત નામ હોવાનું ચર્ચાઈ છે ત્યારે જ મતદાર યાદીમાંથી નામ કમી થવાથી દેકારો મચ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર ખંભાળીયા નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં વર્ષોથી કાયમી વસવાટ કરતા વાસુ આલાભાઈ ડોરૂએ જીલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી આપી જણાવ્યું છે કે તેઓ વોર્ડ નંબર ચારમાં વર્ષોથી વસવાટ કરે છે અને ત્યાંજ મતદાન કરે છે. ગત ટર્મ 2015માં રજૂઆત કરતા અરજદારના માતા અનુસૂચિત જાતિની મહિલા અનામત સીટ પરથી ભાજપ પક્ષ તરફથી ચૂંટણી લડ્યા હતા. આ વખતે યોજાનાર ચૂંટણી માટે પણ અરજદાર તૈયારી કરતા હોય નગરપાલિકા સાથે સતત સંપર્કમાં હોય જયારે નગરપાલિકા દ્વારા આખરી મતદાન યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી ત્યારે પરિવારના તમામ 6 સભ્યોના નામ હતા પરંતુ બાદમાં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી ત્યારે પરિવારના ત્રણ સભ્યોના નામ નગરપાલિકાના વોર્ડ નંબર ચાર માંથી કમી કરી અને શક્તિનગર ગ્રામ પંચાયતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. નામ ટ્રાન્સફર કરવાની અરજી ઓનલાઇન કરવામાં આવી છે અને સરનામાંના પુરાવા માટે ખોટા લાઈટ બિલ રજૂ કરવામાં આવ્યું છે જેથી કોણે આ ઓનલાઇન અરજી કરી છે તે અંગે તપાસ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા તથા તે નામ પરત નગરપાલિકાની મતદાર યાદીમાં સમાવિષ્ટ ના થાય ત્યાં સુધી ચૂંટણી મુલતવી રાખવા માટે પણ અરજદારએ જીલ્લા ચૂંટણી અધિકારી અને ખંભાળિયા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે.
0 Comments
Post a Comment