જામનગર મોર્નિંગ - ખંભાળિયા : ખંભાળીયા નગરપાલિકામાં ભાજપ દ્વારા આગામી સામાન્ય ચૂંટણી અંગે ઉમેદવારોની પસંદગીમાં બ્રહ્મસમાજને અન્યાય થાય તેવી તજવીજ ચાલી રહી હોવાનું જાણવા મળતા બ્રહ્મસમાજમાં ભારે રોષ ફેલાયો છે. જામખંભાળીયા શહેરમાં પ થી ૬ વોર્ડમાં બ્રાહ્મણોના મત નિર્ણાયક ગણાંતા હોયઆમ છતાં બ્રહ્મ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું ન હોવાની ફરીયાદો ઉઠી છે. આવા સંજોગો જોતાં બ્રહ્મસમાજના આગેવાનોની યોજાયેલ તાકીદની બેઠકમાં સમાજને યોગ્ય સંખ્યામાં ટિકિટ તેમજ પ્રતિનિધિત્વ નહીં મળે તો ભાજપના કાર્યક્રમોના બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવતા ભાજપના નેતાઓમાં દોડધામ મચી ગઈ છે. આ બેઠકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા બ્રહ્મસમાજના મહિલા પ્રમુખ કિર્તિદાબેન ઉપાધ્યાય અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા. સંચાલન પત્રકાર વિનાયક ભટ્ટે કહ્યું હતું આ બેઠકમાં ભાજપમાંથી ટિકિટ માંગનારા બ્રહ્મસમાજના માંગણીદારો. પૂર્વ સદસ્યો, ભાજપના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપે બ્રહ્મ સમાજને ફાળવેલ ચાર ટિકિટ પૈકી ચારેય બેઠકો ઉપર બ્રાહ્મણ ઉમેદવારોની જીત થઈ હતી.