• પતિ સાસુ સહિતના સાસરીયાઓના ત્રાસથી કંટાળી પગલું ભર્યું હોવાની મૃતકની માતાની ફરિયાદ

 જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૫, જામનગર તાલુકાના દરેડ ગામમાં આજથી આઠ દિવસ પહેલા એક પરણીતાએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં સાસરિયાનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે મૃતક ના પતિ સાસુ સહિત ૪ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના દરેડ માં રહેતી કિરણબેન નવઘણભાઈ રાઠોડ નામની પરિણીતાએ સાતમી ફેબ્રુઆરીના દિવસે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ પછી પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી અને મૃતકની માતા નર્મદાબેન હેમંતભાઈ કે જેઓ થાનગઢ રહે છે તેઓને જામનગર બોલાવ્યા હતા અને નિવેદન નોંધ્યું હતું.
 જે નિવેદનમાં છેલ્લા પંદરેક દિવસથી પોતાની પુત્રી કિરણને સાસરિયાઓ ખૂબ જ ત્રાસ ગુજારતા હતા, અને જેઠાણી નું બાળક સાચવવા બાબતે મેણા ટોણા મારતા આખરે પોતાની પુત્રી એ જીવ દઇ દીધો હોવાનું જણાવ્યું હતું.
 આથી પંચકોશી બી ડિવિઝન પોલીસે મૃતક કિરણબેન ની માતા નર્મદાબેન ની ફરિયાદના આધારે કિરણબેન ના પતિ નવઘણ કારાભાઈ રાઠોડ, સાસુ મંજુબેન કારાભાઈ રાઠોડ, જેઠ રાજુભાઈ કારાભાઈ રાઠોડ અને જેઠાણી ભાવનાબેન રાજુભાઈ રાઠોડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.