જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૫, જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેની જાહેર સભાને સંબોધવા માટે આવેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ જામનગર શહેરીજનો માટે ની એક ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે. જેને લઇને જામનગર વાસીઓ માં ખુશીની લહેર પ્રસરી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર શહેરને દૈનિક પાણી વિતરણ કરવાની જાહેરાત કરી છે, અને ટૂંક સમયમાં જ તેનો અમલ કરવાનું વચન આપ્યું છે.
 જામનગર શહેરને ઘણા વર્ષોથી એકાંતરા પાણી વિતરણ થાય છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ૨૦૨૨ સુધીમાં લોકોને નલ સે જલ યોજના હેઠળ પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેની સાથે સાથે જામનગર શહેરને દૈનિક પાણી મળી રહે તેવી પણ મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી હતી.

 જામનગર શહેરમાં હાલમાં એકાંતરા પાણી વિતરણ થઇ રહ્યું છે, ત્યારે અગાઉ એકાંતરા અથવા તો દર બે દિવસે અને ત્રણ દિવસે પાણી અપાતું હતું સાથોસાથ ટેન્કર ના ફેરાથી પાણી અપાતું હતું. જેમાં હવે દૈનિક પાણી વિતરણ આપવાની યોજના ઘડી કાઢવામાં આવી છે, અને તે અંગેનું મોટાભાગનું કાર્ય પૂર્ણ થયું છે. જેથી જામનગર વાસીઓ ની દૈનિક પાણી વિતરણ ની માગણી આખરે પૂર્ણ થશે તેવી મુખ્યમંત્રી દ્વારા જાહેરાત થઈ છે.