જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૫, જામનગરમાં સમર્પણ ઓવરબ્રિજ પાસેથી એક અજ્ઞાત વૃદ્ધનો મૃતદેહ સાંપડ્યો છે. ચાલુ સાયકલે એકાએક હૃદય બંધ પડી જવાથી મૃત્યુ હોવાનું પોલીસે અનુમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.
 જામનગરમાં સમર્પણ ઓવરબ્રિજ પાસે એક સાયકલ સવાર વૃદ્ધ બેશુદ્ધ પડયા હોવાની માહિતી મળતા સૌપ્રથમ ૧૦૮ને જાણ કરાઈ હતી. જેથી ૧૦૮ ની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં જઈને નિરીક્ષણ કરતા ૬૦ વર્ષની વયના એક વયોવૃદ્ધ બેભાન થયા પછી મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેથી સીટી-સી ડિવિઝન પોલીસને જાણ કરાઇ હતી.
 પોલીસે મૃતદેહનો કબજો સંભાળી જામનગરની જી.જી.હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જ્યાં તેઓનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું. મૃતકે સફેદ કલરનું શર્ટ અને સફેદ પેન્ટ પહેરેલા છે, જ્યારે બ્લુ અને પીળા કલરનું જર્સી તથા કોફી કલર ની માથે ટોપી પહેરેલી છે, અને મોઢે રૂમાલ બાંધ્યો હતો. જેઓ સાયકલ પર નીકળ્યા હતા. તેઓની સાયકલ પણ પોલીસે કબજે કરી છે, અને તેની ઓળખ કરવા માટે મૃતદેહને જી.જી.હોસ્પિટલ કોલ્ડ રૂમમાં રાખ્યો છે.