જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન કોરોના સંક્રમિત દર્દીઓને મતદાન કરવા માટેની અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને મતદાનનો અલગ સમય રાખવામાં આવ્યો છે. તેમજ પી.પી.ઇ. કીટ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ જામનગર શહેરમાં એક પણ કોરોના સંક્રમિત દર્દી દ્વારા આ બાબતનું રજિસ્ટ્રેશન કરાવ્યું નથી.

જામનગર ની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત ૨૩ દર્દીઓ હાલમાં દાખલ છે, અને તમામ દર્દીઓ ઓક્સિજન અથવા તો વેન્ટિલેટર ની સુવિધા પર છે. કે જેઓ બેડ પર થી મુવ કરી શકે તેવી પરિસ્થિતિ નથી.

ઉપરાંત મોટાભાગના દર્દીઓ જામનગર મહાનગરપાલિકાની હદ બહારના એટલેકે જામનગર ગ્રામ્ય વિસ્તાર અથવા તો દેવભૂમિ દ્વારકા સહિતના અન્ય જિલ્લાના દર્દીઓ પણ સારવાર લઇ રહ્યા છે. જેથી જી.જી.હોસ્પિટલમાં થી મતદાન કરવા માટે એક પણ દર્દી નું રજીસ્ટ્રેશન થયું નથી. સાથોસાથ જામનગર શહેર વિસ્તારમાં હોમ આઇસોલેશન માં રહેલા કોઈ દર્દી દ્વારા પણ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. જેથી કોરોના સંક્રમિત દર્દીઓ માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરી શકાઇ નથી.