નાના ભાઈની સગાઈ ના પ્રસંગમાં ગયેલા મોટા ભાઈનું બાઈક પરથી પટકાઈ પડતાં કરૂણ મૃત્યુ

 જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાં ગઈકાલે કરુણાજનક કિસ્સો બન્યો છે, અને ના ના ભાઈ ના સગાઈના પ્રસંગમાં ગયેલા મોટાભાઈને અકસ્માત નડયો હતો, અને બાઇક પરથી પટકાઈ પડતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હોવાથી પરિવારજનોમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

 આ કરુણાજનક બનાવની વિગત એવી છે જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાં રહેતો મનસુખભાઈ મગનભાઈ પરમાર નામનો ૩૦ વર્ષનો યુવાન પોતાના નાના ભાઈ નો સગાઈ નો પ્રસંગ ઉપલેટામાં યોજાયો હોવાથી વાંસજાળીયા થી ઉપલેટા ગયો હતો, અને ત્યાંથી ગઇકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં વાંસજાળીયા ગામના જ પોતાના સંબંધી દર્શનભાઈ માવજીભાઈ પરમાર ના મોટરસાયકલ પર પાછળ બેસીને વાસજાળીયા પરત આવી રહ્યો હતો.

 જે દરમિયાન પાણીયાનેશ ગામ ના બસ સ્ટેશન પાસે એકાએક સ્પીડ બ્રેકર આવતાં પોતે બાઈક ની પાછલી સીટ માંથી નીચે પટકાઈ પડ્યો હતો, અને ઊંધા માથે નીચે પડવાથી માથાના ભાગે હેમરેજ પ્રકારની ગંભીર ઇજા થઇ હતી. તેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામજોધપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો, અને કરુણ મૃત્યુ નીપજયું હતું.

 આ બનાવને લઇને પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. આ અકસ્માતના બનાવ પછી બાઇકચાલક દર્શનભાઈ માવજીભાઈ પરમાર પોતાનાનું બાઈક છોડી ભાગી છુટયો હતો. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના મોટાભાઈ પ્રવીણભાઈ મગનભાઈ મકવાણા પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે, અને આ અકસ્માતના બનાવની વધુ તપાસ હાથ ધરી છે. તેમજ બાઇકચાલક દર્શન પરમાર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.