•  સવારે ઝાકળ ભીની સવાર: બપોરે આકરા તાપ સાથે ડબલ ઋતુનો અનુભવ: પવન વધ્યો


 જામનગર તા ૧૮, જામનગર જિલ્લામાં ભેજયુક્ત સવાર સાથે ઠંડી અને ગરમી ની મિશ્ર ઋતુ નું વાતાવરણ અવિરત ચાલુ રહ્યું છે. વહેલી સવારે ભેજનું પ્રમાણ ૯૬ ટકા રહ્યું છે. જ્યારે બપોર દરમિયાન ગરમીનો પારો ૩૫ ડિગ્રી સુધી પહોંચી જતાં ઠંડી-ગરમી નું મિશ્ર વાતાવરણ જોવા મળે છે. સાથોસાથ પવન ની તીવ્રતામાં પણ વધારો થયો હોવાથી બપોર દરમિયાન ગરમ લૂ ફેંકાય છે.

 આજે સવારે પણ ભેજનું પ્રમાણ ૯૬ ટકા રહેતાં ઝાકળ ભીની સવાર થઈ હતી, અને સૂર્યનારાયણના દર્શન નવ વાગ્યા પછી થયા હતા. જ્યારે બપોર દરમિયાન ગરમીનો પારો ૩૫ ડિગ્રીએ પહોંચ્યો હતો. સાથો-સાથ પ્રતિ કલાકના ૩૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે બપોર દરમિયાન ગરમ લૂ ફેકાઈ હતી. જોકે મોડી સાંજે ગરમીમાં રાહત જોવા મળી હતી.

 જામનગર જિલ્લા કલેક્ટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રી સેન્ટિગ્રેડ, જ્યારે મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૬ ટકા રહ્યું હતું, ત્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૨૫ કિ.મી.ની ઝડપે રહી હતી. જે વધીને ૩૦ કિ.મી. સુધી પહોંચી હતી.