• છેલ્લા ચાર માસમાં I.T.R.A તથા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ૧.૨૬ લાખ ઉકાળા, ૧૩ હજાર લોકોને સંશમની વટી તથા ૮૫ હજારથી વધુ આર્સેનિક આલ્બમનું વિતરણ કરાયું

                              

જામનગર તા. ૩૦ એપ્રિલ, હાલના સમયે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધ્યો છે.ત્યારે જો કોઈ વ્યક્તિ આ સંક્રમણથી ગ્રસિત થાય છે તો આવા સંજોગોમાં વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ જ હાલ રામબાણ ઈલાજ સાબિત થઈ રહી છે.ત્યારે જામનગર જિલ્લાના નાગરિકોની આંતરિક રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી તેમને કોરોના સામે અભેદ સુરક્ષા કવચ પુરૂ પાડવા ITRA તેમજ જામનગર જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ખાસ અભિયાનના ભાગરૂપે સમગ્ર જામનગર શહેર તથા ગામે ગામ આયુર્વેદિક ઔષધિઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

જામનગર જિલ્લો આયુર્વેદ ચિકિત્સામાં ગુજરાતમાં મોખરે ગણાય છે. વળી કોરોનાવાયરસની મહામારી સામે આયુર્વેદ વિભાગ દ્વારા રોગપ્રતિકારકશક્તિને વધારી શકાય તે માટે આયુર્વેદિક ઉકાળા, સંશમનીવટી વગેરેનો ઉપયોગ કરવા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ત્યારે જામનગરની આયુર્વેદ ચિકિત્સા માટે પ્રસિધ્ધ ITRA અને જામનગરની આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત દ્વારા કોવિડ-૧૯ના નિયંત્રણ માટે જિલ્લા આયુર્વેદ અધિકારી, જામનગરના નિયંત્રણ હેઠળના ૮ આયુર્વેદ તેમજ ૪ હોમિયોપેથી દવાખાના અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ-જોડિયા દ્વારા લોકોમાં આયુષ ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધારી આ સંક્રામક બીમારી સામે લડત કરવા અનેક સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

જામનગરની I.T R.A. તેમજ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા જિલ્લાના ગ્રામ્ય અને મહાનગરપાલિકા વિસ્તારના રહીશોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ ઔષધીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ બંને વિભાગો દ્વારા છેલ્લા ચાર માસમાં જામનગર જિલ્લામાં ૧,૨૬,૨૯૭ વ્યક્તિઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ ૧૩,૬૪૧ વ્યક્તિઓને સંશમવટીનું અને ૮૫,૨૨૪ વ્યક્તિઓને આર્સેનિક આલ્બમ દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. 

     જિલ્લા આયુર્વેદ અધિકારી ર્ડા.સંજય મોઢાએ આ અંગે જણાવ્યું છે કે, છેલ્લા થોડાક સમયથી જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાથી સંક્રમિત થનાર વ્યક્તિઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે કોરોનાને નાથવા માટે વ્યક્તિની આંતરિક રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી અત્યંત જરૂરી છે. આથી જામનગર જિલ્લાના ગ્રામ્યજનોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે તેવા આયુર્વેદ ઉકાળા ગામે ગામ મળી રહે અને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે આયુર્વેદ કચેરી, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા સુચારું વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા ચાર માસ દરમિયાન ગ્રામ્ય વિસ્તાર તથા જામનગર શહેરમાં પણ ૯૨૩ સ્થળ પરથી ૧,૧૯,૯૫૩ લોકોને ઉકાળા વિતરિત કરવામાં આવ્યા છે જ્યારે ૬૭૩ સ્થળ પરથી ૧૩,૬૪૧ લોકોને સંશમની વટી અને ૪૮૮ સ્થળ પરથી ૮૫,૨૨૪ આર્સેનિક આલ્બમનું વિતરણ કરાયું છે.  

ITRA ના વાઇસ ચાન્સેલર શ્રી અનુપ ઠાકરે જણાવ્યું છે કે, છેલ્લા ચાર માસમાં જામનગર શહેરમાં ૨૦,૪૩૬ લોકોને ઉકાળા વિતરણ કરી તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા પ્રયત્નો હાથ ધરાયા છે. ૬૦૩ લાભાર્થીઓને સંશમની વટી,૧૨૭ લોકોને આર્સેનિક આલ્બમનું વિતરણ કરી લોકોની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાની તંત્રએ તકેદારી લીધી છે. ગ્રામીણ વિસ્તારોમાં છેવાડાના તાલુકાઓ સુધી જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આયુર્વેદ ઔષધીઓના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ જામનગર મહાનગરપાલિકા વિસ્તારના વિવિધ સ્થળોએ દૈનિક આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જામનગર જિલ્લામાં લોકો સતત આયુષ મંત્રાલયના સૂચનોને અનુસરીને આ મહામારીમાં સ્વસ્થ જીવન મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે જેમાં આયુર્વેદ શાખાના માર્ગદર્શન થકી જામનગરની જનતાને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે.