તીરછી નજર - ભરત હુણ

જામનગર મોર્નિંગ - ભાણવડ તા.18 : દેવભૂમિ દ્વારકા જીલ્લાનો ભાણવડ તાલુકો બરડા ડુંગર, શનિદેવ મંદિર - હાથલા અને એ સિવાય અનેક ઐતિહાસિક વારસાની ગાથાને સાચવીને બેઠો છે.

ભાણવડ તાલુકાના ઘુમલી ગામે આવેલ નવલખો મહેલ, બરડા ડુંગરની ગોદમાં આવેલ સોન કંસારીના 13 જેટલાં ડેરાઓ, બરડા ડુંગરની કિનારે અને જામનગર - પોરબંદર રોડ પર આવેલ મોડપરનો કિલ્લો, ઘુમલી ગામે જેતા વાવ, મોખાણા અને ઢેબર ગામની વચ્ચે આવેલ વિકિયા વાવ આ બધા ઐતિહાસિક વારસાની ધરોહરનું 7 થી 9 મી સદી એટલે આજથી 1000 - 1200 વર્ષ પહેલા નિર્માણ થયેલ છે.

આ સિવાય પણ બરડા બરડા ડુંગર અને ડુંગરની આજુબાજુ ગામડાઓમાં અલગ -અલગ છણાવતના કુવા, કોતરણી વાળા મંદિરો, તળાવો જે 7 મી થી 9 મી સદીમાં બંધાયેલ ઐતિહાસિક ધરોહર જેવો વારસો છે.

હાથલાનું શનિદેવ મંદિર જે શનિદેવના જન્મસ્થાન તરીકે ઓળખાય છે અને ભારતનું એક માત્ર મંદિર છે જ્યાં દૂર - દૂરથી લોકો આવે છે. આ જ શનિદેવ મંદિરના નવીનીકરણ માટે ત્રણ - ત્રણ વખત ખાતમુર્હત થયું હોવા છતાં એક પથ્થર માંડવાનું કામ પણ હજી થયું નથી.

મોડપરનો કિલ્લો અને સોન કંસારી ડેરા જે અડધા તૂટવા આવ્યા છતાં ત્યાં જોવા જવાની પણ કાળજી લેવાતી નથી.

આઠમી સદીના ઉતરાર્ધમાં નિર્માણ પામેલ સોન કંસારી ડેરા, નવલખો મહેલ, મોડપર કિલ્લો, આજુબાજુના જુના ડેરા-મંદિરો, કુવાઓ જે જાળવણી અને મરામતના અભાવે ધૂળ ખાય છે.

ભાણવડ તાલુકામાં સચવાયેલ ઐતિહાસિક વારસાની પુરાતત્વ વિભાગ દ્વારા યોગ્ય રીતે જાળવણી અને મરામત થાય તો પ્રવાસન ક્ષેત્રે પણ આ વિસ્તારને વેગ મળે અને અહીંનો વારસો, ઇતિહાસ સૌના ધ્યાન પર આવે. હાલ તો સરકાર અને વહીવટી તંત્રના ધ્યાને આવે તે જરૂરી છે. જેથી જાળવણી અને મરામત થઇ શકે.