•  દલાલ મારફતે નાગપુરની લુટેરી દુલ્હન સાથે લગ્ન કર્યા પછી ત્રીજા દિવસે જ લૂંટેરી દુલ્હન ફરાર


  •  દોઢ લાખ રૂપિયામાં લગ્ન માટેનો સોદો કર્યા પછી દુલ્હન ભાગી જતાં કાના શિકારી ગામના દલાલ દંપતિ સહિત ચાર સામે ફરિયાદ


 જામનગર તા ૨, જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાનને બે વખત છૂટા થઈ ગયા પછી ત્રીજા લગ્ન કરવા ભારે પડ્યા છે. દલાલ મારફતે નાગપુરની એક કન્યા સાથે ત્રીજા લગ્ન કર્યા પછી કન્યા લગ્ન ના ત્રીજા દિવસે જ ભાગી છૂટી હતી, અને દલાલને આપેલી દોઢ લાખની રકમ તેમજ હાથ ની બંગડી અને સોનાનો નાકનો દાણો ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે મહાજન યુવાને કાના શિકારી ગામના દલાલ દંપતી અને નાગપુરની કન્યા અને તેના ધર્મ ના ભાઈ વગેરે ચાર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રાજ ચેમ્બર પાસે રહેતા પ્રિતેશ ધીરજલાલ શાહ નામના ૪૧ વર્ષના મહાજન યુવાને પોતાના અગાઉ બે વખત છુટાછેડા થઇ ગયા હોવાથી નાગપુરની કન્યા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, અને લાલપુર તાલુકાના કાના શિકારી ગામ ના દંપતિ વિજયભાઈ બારોટ અને કાજલ બેન વિજયભાઈ બારોટ સાથે રૂપિયા દોઢ લાખમાં સોદો કરી નાગપુરની વતની પાયલબેન પ્રદીપભાઈ બંસોડ નામની યુવતી સાથે મૈત્રી કરાર સાથે લગ્ન કર્યા હતા. જેમાં પાયલ ના ધર્મ નો ભાઈ અંકિત પ્રદીપ નાગપુરી ની મદદ લીધી હતી.

 ગત ૨૪.૨.૨૦૨૦ ના દિવસે કાનાશિકારી ગામનાં દંપતીને દોઢ લાખ આપ્યા પછી મૈત્રી કરાર કર્યા હતા, અને લુટેરી દુલ્હન પાયલબેન ને પોતાના ઘેર લઈ ગયો હતો. ત્યાં તેણે સોના ની મિશ્રધાતુ વાળી બે બંગડી અને સોનાનું નાકનો દાણો વગેરે લઈ આપ્યા હતા. જે પાયલ ૩ દિવસ રોકાઈ હતી અને ત્રીજા દિવસે એકાએક છૂમંતર થઈ ગઈ હતી. જેથી પ્રિતેશ શાહે એ દલાલ દંપતિ કાજલબેન અને વિજયભાઈ બારોટ ને જાણ કરી હતી, અને કાં તો પોતાની પત્નીને પાછી બોલાવી આપો અથવા તો દોઢ લાખની રકમ પાછી આપો. તેવી માગણી કરી હતી.

 છેલ્લા એકાદ વર્ષથી પોતાની પત્નીને શોધવાનો  પ્રયત્ન ચાલુ રાખ્યો હતો. ઉપરાંત દલાલ દંપતિ પાસેથી પણ દોઢ લાખ ની ઉઘરાણી ચાલુ રાખી હતી. પરંતુ પત્નીનો કોઈ પત્તો સાંભળતો ન હોવાથી એને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું ધ્યાનમાં આવતા તેમણે તુરત જ જામનગરના જિલ્લા પોલીસ વડા નો સંપર્ક સાધ્યો હતો, જેના અનુસંધાને જિલ્લા પોલીસ વડાએ દલાલ દંપતી અને લૂંટેરી દુલ્હન સહિત ચાર સામે ફરિયાદ નોંધવાનું જણાવતા પ્રિતેશ શાહ ની ફરિયાદના આધારે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં પાયલ અને તેના ધર્મ ના ભાઈ અંકિત ઉપરાંત વિજય બારોટ અને કાજલ બારોટ સામે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, અને ૧૧૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. સીટી-સી ડિવિઝન ના પોલીસ સ્ટાફ દ્વારા તપાસનો દોર નાગપુર સુધી લંબાવાયો છે.

 પ્રાથમિક તપાસ દરમિયાન પાયલ  કે જેણે અગાઉ પણ અન્ય કેટલાક યુવાનો સાથે સોદો કરી ને લગ્ન કરી લીધા છે. અને ત્યાર પછી છેતરપિંડી કરી ભાગી છૂટી છે. લગ્ને લગ્ને કુંવારી એવી લુટેરી દુલ્હન ને પોલીસ શોધી રહી છે.