• પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા બોટ મારફતે વહેલી સવારથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું


 જામનગર તા ૧૯, જામનગરમાં મેહુલનગર વિસ્તારમાં રહેતા બે યુવાનો રવિવારે બપોરે રણજીતસાગર ડેમ પર ફરવા ગયા હતા, અને પીપરટોડા તરફ જવાના માર્ગે રણજીતસાગર ડેમ ના પાણી માં ન્હાવા પડ્યા હતા. જ્યાં તેઓ ડેમ ના પાણીમાં લાપતા બની ગયા હતા. જે અંગેની પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ થતા પોલીસે ફાયર બ્રિગેડની મદદથી બોટ મારફતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું. મોડી રાત સુધી પણ સર્ચ કર્યા પછી બંનેનો કોઈ પત્તો મળ્યો ન હતો. જેથી આજે સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પરંતુ બપોર સુધી તેઓનો કોઈ પત્તો સાંભળ્યો નથી.

 જામનગરમાં મેહુલનગર વિસ્તારમાં રહેતા રણછોડભાઈ મગનભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ ૩૫) અને જેકી જેન્તીભાઈ મકવાણા (ઉંમર વર્ષ ૨૨) કે જેઓ બંને જામનગર થી રણજીત સાગર ડેમ પર રવિવારની રજાના દિવસે ફરવા માટે ગયા હતા, અને બપોરે ચારેક વાગ્યાના અરસામાં પીપરટોડા ગામ તરફ જવાના માર્ગ પાસેના રણજીતસાગર ડેમ ના પાણી ના ભાગમાં નહાવા માટે પડ્યા હતા. જ્યાં એકાએક બંને પાણીમાં ડૂબવા લાગ્યા હતા.

 આ સમયે બુમાબુમ થવાથી ત્યાંથી પસાર થનાર વ્યક્તિ એ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી પોલીસ ટુકડી તેમજ ફાયર બ્રિગેડ શાખાનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટુકડીએ સૌપ્રથમ જે સ્થળે બનાવ બન્યો હતો. ત્યાં શોધવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બંને યુવાનો લાપતા બની ગયા હોવાથી રેસ્ક્યુ બોટ ને પાણીમાં ઉતારી હતી. અને રાત્રીના નવ વાગ્યા સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અને ડેમનો આસપાસનો મોટાભાગનો વિસ્તાર શોધી લીધો હતો. પરંતુ બંને યુવાનોનો કોઈ પત્તો સાંપડ્યો ન હતો. જેથી મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું. 

ત્યાર પછી આજે સોમવારે સવારે ફાયર બ્રિગેડના વધુ જવાનો ની ટુકડી જુદી જુદી બે રેસ્ક્યુ બોટ સાથે રણજીતસાગર ડેમ વિસ્તાર ના પાણી ને ફંફોળી રહી છે. પરંતુ બપોર સુધી બન્ને યુવાનો નો કોઇ પત્તો સાંપડ્યો નથી. અને સર્ચ ઓપરેશન અવિરત ચાલુ રાખવામાં આવ્યું છે. 

બંને લાપતા બની ગયેલા યુવાનો ને લઈને તેઓના પરિવાર માં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.