• ૩૫ દિવસ ના સમયગાળા દરમિયાન ૧૨.૭૮ લાખના દંડની વસૂલાત; ૧૧૪ મિલકતો સીલ કરાઇ

 જામનગર ૨૭, જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં માસ્ક પહેર્યા વિના નીકળનારા તેમજ સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરનારા લોકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ૩૫ દિવસ ના સમયગાળા દરમિયાન કુલ ૩,૦૭૧ વ્યક્તિ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે અને ૧૨ લાખ ૭૮ હજાર નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ઉપરાંત ૧૧૪ મિલકતોને સીલ કરી દેવાઈ છે. સાથોસાથ જે દુકાન પર ભીડ એકઠી થતી હોય તેવી ૨૫૩ દુકાનોને ૩૦ એપ્રિલ સુધી બંધ કરવાનો આદેશ અપાયો છે.

 જામનગર મહાનગરપાલિકા ની જુદી-જુદી છ ટીમો દ્વારા સિક્યુરિટી વિભાગ તેમજ પોલીસ તંત્ર ને સાથે રાખીને જાહેરમાં માસ્ક પહેર્યા વિના નિકળનારા લોકો સામે દંડકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ૩૫ દિવસ ના સમયગાળા દરમિયાન ૫૫૬ લોકો માસ્ક પહેર્યા વિના નીકળ્યા હોવાથી તેઓ પાસેથી રૂપિયા ૫,૬૯,૫૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

 આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરનારા કુલ ૨,૫૧૫ લોકો સામે પણ દંડકીય પ્રક્રિયા હાથ ધરાઇ છે. અને તેઓ પાસેથી ૭,૦૮,૭૯૦ રૂપિયા નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

 ૩૫ દિવસ ના સમયગાળા દરમિયાન કુલ ૩,૦૭૧ કેસ કરાયા છે અને ૧૨,૭૮,૨૯૦ ની વસૂલાત કરાઈ છે.

 ઉપરાંત શહેરી વિસ્તારમાં પોતાની દુકાન પર ભીડ એકઠી કરનાર કુલ ૧૧૪ વેપારીઓની દુકાન સીલ કરવામાં આવી છે. સાથોસાથ શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો પર ચા-પાન સહિતની કેટલીક દુકાનો પર વધુ પડતી ભીડ એકઠી થતી હોવાથી આવી કુલ ૨૫૩ દુકાનોને ૩૦ માર્ચ સુધી ના સમયગાળા દરમિયાન બંધ રાખવાનો આદેશ કરાયો છે. જે કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.