જામનગર મોર્નિંગ - જામનગર તા ૮, જામનગર શહેરમાં રાત્રિના આઠ વાગ્યાથી વહેલી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ ની જાહેરાત કરવામાં આવી છે અને ગઈ રાત્રીથી તેની અમલવારી પણ શરૂ કરી દેવાઇ છે, ત્યારે જામનગર જિલ્લા કલેકટર દ્વારા આ મામલે વિશેષ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જીવન જરૂરિયાતની કેટલીક વસ્તુઓ માટે ની છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સરકારી ફરજ ઉપર બજાવતા કર્મચારીઓ અથવા તો આવી કામગીરી માં જોડાયેલા હોય તેવા હોમગાર્ડ અને સરકારી એજન્સી તેમજ આરોગ્ય લક્ષી સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે.

 જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે દૂધની ડેરીઓ, તથા દૂધનું વિતરણ કરતા વિક્રેતાઓ ને મુક્તિ અપાઈ છે.

 સાથોસાથ પેટ્રોલ પંપ, મેડિકલ સ્ટોર, ફાર્મસી, એમ્બ્યુલન્સ, અન્ય તબીબી સેવાઓ, સ્મશાન યાત્રા કે જે સરકાર શ્રી ની કોવિડ ગાઈડ મુજબ થાય તે મુજબ તેમજ સ્મશાન ગ્રહ ના કાર્યકર્તાઓ અને સ્ટાફ, ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા (માહિતી ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત હોય તેવા) ખાનગી સિક્યુરિટી સેવાઓ, ઉપરાંત સતત પ્રક્રિયા ની જરૂર પડે તેવા આવશ્યક ચીજવસ્તુઓના એકમો, એટીએમ, બેન્કિંગ ઓપરેશન વ્યવસ્થા, તેમજ રોકડ વ્યવસ્થાપન એજન્સીઓ ખાનગી કંપનીઓમાં ડ્યુટી પર કર્મચારીઓને લાવવા લઈ જવા માટેના વાહનો, તથા તેમાં પ્રવાસ કરતા કર્મચારીઓ વગેરેનો સમાવેશ થાય છે.