• મોટા ભાગના ડાયવઝર્ન રસ્તા તૂટી ગયા !
  • નેશનલ હાઇવેની કામગીરી લાંબા સમય સુધી ચાલવાની હોવાથી ડાયવર્ઝન રસ્તા રીપેર કરવા જરૂરી.

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.02 : દેવભૂમિ દ્વારકાના કુરન્ગા ચોકડી થી લઈને ન્યારા કંપની નજીકના ઝાંખર ગામ સુધીમાં નેશનલ હાઇવે નવો નિર્માણ પામી રહ્યો છે. આ કામગીરીમાં જ્યાં ઓવર બ્રીજ કે કોઈ નદી – નાળા આવતા હોય ત્યાં બાજુમાં ડાયવર્ઝન રોડ બનાવ્યા છે તે હલકી ગુણવતા અને પહોળાઈમાં ખુબજ ટુકા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નેશનલ હાઇવે ઓથોરીટીના નિયમો મુજબ ડાયવર્ઝન રોડ પાકા ડામર રોડ મજબુત બનાવવાના હોય છે પણ અહી નબળા ગુણવતાના ડામર રોડ બનાવ્યા હોવાથી ઠેર – ઠેર તૂટી ગયા છે અને વાહન પસાર થાય છે ત્યારે ધૂળના ગોટા ચડતા હોય છે તેમજ પ્રમાણમાં ડાયવર્ઝન રોડ પહોળાઈમાં ખુબ ટુકા હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ રહે છે સવારના અને સાંજના સમયે આ ડાયવર્ઝન રોડમાં ૫૦૦ મીટર થી એક કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતારો થાય છે. ત્યારે આ નેશનલ હાઇવેનું કામ હજુ લાંબો સમય સુધી ચાલવાનું હોય જેથી આ તૂટેલા ડાયવર્ઝન રોડ ફરીથી રીપેરીંગ કરવા જરૂરી બન્યા છે.