• અન્ય ૪ જ્ઞાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનાર શખ્સ ની પોલીસ દ્વારા શોધખોળ


જામનગર મોર્નિંગ - જામનગર તા ૮, જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં બે જ્ઞાતિ વચ્ચે ઉશ્કેરાટ ભર્યુ વાતાવરણ બને અને સુલેહ શાંતિનો ભંગ થાય તેવો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર એક શખ્સ સામે લાલપુર પોલીસ દ્વારા જાતે ફરિયાદી બની ગુનો નોંધવામાં આવ્યો છે. જે વિડીયો વાયરલ કરનાર લાલપુર તાલુકાના સણોસરા ગામ ના શખ્સની પોલીસ દ્વારા શોધ ચલાવવામાં આવી રહી છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના સણોસરા ગામ માં રહેતો કેતન રસિકલાલ અંબાસણા નામનો શખ્સ કે જેણે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવીને અલગ-અલગ ચાર જ્ઞાતિનો ઉલ્લેખ કર્યો હતો, અને અપશબ્દો બોલી તેમાં ફર્નિચર વેલ્ડીંગ નો ધંધો અન્ય સમાજ નો ધંધો છે. તે છોડીને ખેતી કરવાની સલાહ આપવામાં આવી હતી. અને ચારેય જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલતા હોય તેઓ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

 જેના કારણે બે જ્ઞાતિ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય અને સુલેહ શાંતિનો ભંગ થાય તેવું વાતાવરણ બન્યું હતું. સમગ્ર મામલો લાલપુર પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને પોલીસ દ્વારા આ મામલે પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

 જેના ભાગરૂપે વિડીયો વાયરલ કરનાર સામે ગુન્હો દાખલ કરવા ના ભાગરૂપે લાલપુર પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ વિ.પી.ઝાલા દ્વારા જાતે ફરિયાદી બની સણોસરા ગામના ચેતન રસિકલાલ અંબાસણા સામે આઇપીસી કલમ ૧૫૩, ૫૦૫(૩) અને ૫૦૪ મુજબ ગુનો નોંધ્યો છે.

 જેણે વિડીયો ની સાથે સાથે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે "જે લોકોને મારુ કાંઈ પણ કરી લેવું હોય તે કરી લેજો" તેની સાથે ખરાબ શબ્દો ના ઉલ્લેખ પણ કર્યા હતા. સમગ્ર વિડિયો રેકોર્ડિંગ પોલીસે રેકોર્ડ પર લીધા પછી વધુ તપાસ હાથ ધરી છે. આ ફરિયાદ અંગેના બનાવે લાલપુર પંથકમાં ભારે ચકચાર જગાવી છે.