• સ્કૂટર ટોઇંગ કરવા જતાં વિફરેલા દંપતીએ ટ્રાફિકના જમાદાર સાથે ઝપાઝપી કરી હુમલો કર્યો
  • પોલીસ દ્વારા પણ વળતો હુમલો કર્યા પછી સમગ્ર મામલો સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો


 જામનગર તા ૮, જામનગરમાં દિપક સિનેમા વિસ્તારમાં આડેધડ પાર્ક કરાયેલું વાહન ડિટેઇન કરતી વખતે ટ્રાફિક વિભાગના પોલીસ જમાદાર અને સ્કુટર ચાલક દંપતી વચ્ચે ઝઘડો થયા પછી મામલો ઝપાઝપી માં પરિણમ્યો હતો, અને બંને પક્ષે હુમલા થયા હતા. જે સમગ્ર ઘટના આસપાસમાં એકત્ર થયેલા લોકોએ મોબાઇલમાં વીડિયો બનાવીને વાયરલ કરી દેતાં ભારે ધમાચકડી મચી હતી. આખરે મામલો સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસ ની ફરજ મા રૂકાવટ અંગેનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિપક સિનેમા વિસ્તારમાં બપોરે પોણા બારેક વાગ્યાના અરસામાં એક સ્કૂટર ચાલકે પોતાનું સ્કૂટર આડેઘડ પાર્ક કર્યું હોવાથી ટ્રાફિક શાખાની ટુકડી ટોઇંગ વાહન સાથે આવી પહોંચી હતી, અને સ્કૂટર ડીટેઇન કર્યું હતું.

 જે સમયે સ્કુટર ચાલક દંપતી ત્યાં આવી પહોંચ્યું હતું, અને ટ્રાફિક શાખાના જમાદાર સાથે જીભાજોડી કરી હતી. જેમાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતું અને ટ્રાફિક જમાદારે સ્કૂટર ચાલકનો કાંઠલો પકડી લેતાં ઉશ્કેરાયેલા દંપતીએ ટ્રાફિક જમાદાર ને ફડાકા વાળી કરી હતી. જ્યારે પ્રતિકાર ના ભાગરૂપે ટ્રાફિક જમાદાર એ પણ ઝપાઝપી કરી લીધી હતી.

 આ ઘટના સમયે લોકોનું ટોળું એકત્ર થયું હતું, અને કેટલાક લોકોએ સમગ્ર બનાવવાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.

 આખરે મામલો સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસ દ્વારા ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરાઇ છે. સ્કુટર ચાલક દંપતી દ્વારા પણ હુમલા અંગે ફરિયાદ નોંધવા જણાવાયું છે.