• હોસ્પિટલના મુખ્ય સંચાલક તબીબ સામે આવશ્યક ચીજવસ્તુ પૈકીના ઇન્જેકશનનો જથ્થો સંગ્રહ કરી માહિતી છુપાવવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધાયો

 જામનગર તા ૯, જામનગરની ભાગોળે આવેલી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં ઝીરો સ્ટોક દર્શાવ્યા પછી તપાસણી દરમિયાન ૨૨ રેમડેસિવીર ઈન્જેક્શનો મળી આવ્યા હતા, જેથી વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું, અને પંચનામું તથા રોજ કામ કરાયું હતું. જે મામલો આખરે પોલીસ મથક સુધી પહોંચ્યો છે, અને પોલીસે હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબ સામે આવશ્યક ચીજવસ્તુ નો સંગ્રહ કરવા અંગે, ઉપરાંત સરકારને ખોટી માહિતી આપવા અંગેની કલમો સબબ ગુનો નોંધ્યો છે, અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 જામનગર શહેરમાં અને ખાનગી કોવિડ હોસ્પિટલ વર્તુળમાં ભારે હલચલ મચાવી દેનારા આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક એરપોર્ટ રોડ પર આવેલી શ્રી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં બે દિવસ પહેલાં એસ.ડી.એમ. દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે ચેકિંગ દરમિયાન હોસ્પિટલમાં રજીસ્ટરમાં પરેમડેસિવીર ઇન્જેક્શન નો જથ્થો જીરો હોવાનું જણાવાયું હતું. પરંતુ ચેકિંગ દરમિયાન હોસ્પિટલમાંથી ૨૨ ઇન્જેક્શનો મળી આવ્યા હતા.

 આ મામલો ભારે ગરમાયો હતો, અને હોસ્પિટલમાં રોજકામ વગેરે કરી લેવામાં આવ્યું હતું. બે દિવસની ભારે ગડમથલ પછી આખરે આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે, અને પોલીસ દ્વારા હોસ્પિટલના મુખ્ય સંચાલક તબીબ સામે ગુનો નોંધ્યો છે.

 ઉપરોક્ત પ્રકરણના અનુસંધાને જામનગરના પંચકોશી બી ડિવિઝન ના એ.એસ.આઈ. કરણસિંહ પ્રવિણસિંહ જાડેજા સરકાર પક્ષે જાતે ફરિયાદી બન્યા છે, અને સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલના સંચાલક ડો. કે.ડી.કારિયા તેમજ તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ ના નામો ખુલે તેવો સામે આઈ.પી.સી. કલમ ૧૭૭ તથા ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ ની કલમ -૫૨ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ની કલમ ૩ અને ૭ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને અલગ અલગ વ્યક્તિઓ અને તબીબોના નિવેદનો નોંધવાનું શરૂ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 ખાનગી કોવિડ હોસ્પિટલ માં રેમડેસિવિર ઇન્જેક્શન નો જથ્થો કે જે આવશ્યક ચીજવસ્તુ માં સમાવેશ કરવામાં આવે છે, અને તે ઇન્જેકશનનો બિનજરૂરી ઉપયોગ ન થાય અને જરૂરિયાતમંદ દર્દીને મળી રહે તે માટે સબ ડિવિઝન સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી જામનગર શહેર અને જામનગર જિલ્લા ના રેમડેસિવીર ઇન્જેક્શનની ફાળવણીના નોડલ અધિકારી દ્વારા નિયમ મુજબ હોસ્પિટલના તબીબોએ જે આધાર રજૂ કર્યા હતા, અને સારવાર વગેરેના કાગળો દર્શાવ્યા હતા, જેને ધ્યાને લઇને હોસ્પિટલમાં તપાસ કરી હતી.

 જે તપાસણી દરમિયાન જે દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે, અથવા તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે, તેવા દર્દી ના નામે પણ ઇન્જેક્શનો માંગવામાં આવ્યા હોવાનું અને આવશ્યક ચીજવસ્તુ માં ગણતરી થાય છે તેવા ૨૨ ઇન્જેક્શનો હોસ્પિટલમાં સંગ્રહ કરી રાખ્યા હોવાથી ઉપરોક્ત કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથો સાથ સરકાર ને ખોટી માહિતી આપવા અંગેની કલમ હેઠળ પણ ફરિયાદ નોંધી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. આ ફરિયાદને લઇ ને કોવિડ હોસ્પિટલના સંચાલકો વ્યવસ્થાપકોમાં ભારે દોડધામ મચી ગઇ છે.