• સર્વોદય સોસાયટી વિસ્તારમાં આવેલી દુકાન વાપરવાના બહાને મેળવ્યા પછી ખાલી નહીં કરતા મામલો કલેકટર સમક્ષ પહોંચ્યો
  • જીલ્લા કલેકટર દ્વારા તપાસ કરાવ્યા પછી લેન્ડ ગ્રેબિંગ અંગેનો ગુનો નોંધવાનો પોલીસ વિભાગને આદેશ કરાયો

 જામનગર તા ૪, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળીયા ગામના એક ખેડૂતની જામનગરના સર્વોદય સોસાયટી વિસ્તારમાં આવેલી દુકાન જામનગર અને સુરતના બે ભાઈઓએ સબંધ દાવે વાપરવા લીધા પછી ખાલી નહીં કરતા મામલો જિલ્લા કલેકટર સુધી પહોંચ્યો હતો, અને જે બાબતે લેન્ડ ગ્રેબિંગ અંગેનો ગુનો દાખલ કરવા માટેના કલેક્ટરના આદેશ પછી સીટી-સી ડિવિઝન પોલીસે દુકાન નો કબજો કરી લેનાર બે ભાઈઓ સામે લેન્ડિંગ ગ્રેબિંગ એક્ટ અંગેનો ગુનો નોંધ્યો છે. આ ફરિયાદને લઇ ને જામનગરના દબાણકારો માં ભારે ફફડાટ મચી ગયો છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળિયા ગામ માં રહેતા અને ખેતીકામ કરતા રમેશભાઇ તુલસીભાઈ વાદી કે જેઓની એક દુકાન જામનગરમાં સર્વોદય સોસાયટી વિસ્તારમાં આવેલી છે, જેની હાલ જંત્રી મુજબ બજાર કિંમત સાત લાખ રૂપિયા ગણાય છે. ઉપરોક્ત દુકાન થોડા વર્ષો પહેલા રમેશભાઈ ના પિતા તુલસીભાઈ કે જેઓને જામનગરના રવજીભાઈ વઘાસિયા ની સાથે મિત્રતા હોવાથી તેના પુત્ર લલિત સવજીભાઈ વઘાસીયા ને કોઈપણ પ્રકારના ભાડા વગર વાપરવા માટે આપી હતી, અને લલિતભાઈએ તેમાં ગેરેજ નો વ્યવસાય શરૂ કર્યો હતો.

 ત્યાર પછી લલિત ભાઈ ના લગ્ન થઈ જતા તેણે સુરતમાં પોતાનું અંબિકા ઓટો ગેરેજ શરૂ કરી દીધું હતું, અને પોતે ત્યાં રહેવા ચાલ્યો ગયો હતો. જ્યારે જામનગરની ગેરેજ વાળી જગ્યા પોતાના નાના ભાઈ ભરત સવજીભાઈ વઘાસીયા ને વાપરવા આપી દીધી હતી, અને ભરત વઘાસીયા હાલમાં તેમાં ગેરેજ ચલાવી રહ્યો છે.

 તાજેતરમાં રમેશભાઈ એ પોતાની દુકાન ની પરત માંગણી કરતાં લલીતભાઈ અને ભરતભાઈ બંનેએ દુકાન ખાલી કરવાનો ઇનકાર કરી દીધો હતો. અને જો ખાલી કરવી હોય તો ૧૫ લાખ રૂપિયા આપવા પડશે તેવી માગણી કરી હતી.

 જે પ્રશ્ને ઘણા સમયથી રકઝક ચાલતી હતી, અને ભરત વઘાસિયાએ છેલ્લે ત્રણ લાખ રૂપિયા તાત્કાલિક નહીં આપો તો ગેરેજ ખાલી નહીં કરીએ તેવી ચીમકી આપતાં આખરે રમેશભાઈ દ્વારા સમગ્ર મામલો જિલ્લા કલેકટર સમક્ષ લઇ જવાયો હતો.

 જે અરજીના અનુસંધાને કલેકટર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી, અને દુકાનનો ગેરકાયદેસર કબજો કરી લેવાયો હોવાનું ધ્યાનમાં આવતાં જીલ્લા કલેકટર દ્વારા આ મામલે લેન્ડ ગ્રેબિંગ એક્સ અંગેનો ગુનો નોંધવા માટે નો પોલીસ તંત્રને આદેશ કર્યો હતો.

 જે આદેશ અનુસાર સીટીઝન પોલીસ મથકમાં રમેશભાઈ વાદી ની ફરિયાદના આધારે બંને ભાઈઓ લલિત અને ભરત વઘાસિયા સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંઘીત) વિધેયક ૨૦૨૦ ની કલમ ૨(ચ), ૩, ૪ (૨) (૩), ૫ (ગ) અને (ચ) મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. આ ફરિયાદને લઇ ને જમીન દબાણકારોમાં ભારે ફફડાટ મચી છે.