• દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં રાજય સરકાર દ્વારા અપાયેલી સુવિધાથી દર્દીઓના સ્‍થાનિક કક્ષાએ રીપોર્ટ થઇ શકશે

દેવભૂમિ દ્વારકા તા.૧૦ જનરલ હોસ્‍પિટલ જામ ખંભાળીયા ખાતે ગુજરાત સરકારશ્રી દ્વારા રૂા. ૨૦ લાખના ખર્ચે આઇ.સી.એમ.આર. ના નિયમોનુસાર કોવિડ-૧૯ ના દર્દીઓના નિદાન હેતુ નવી આર.ટી.પી.સી.આર. લેબ વિકસાવવામાં આવી છે. જેનું આજે અન્‍ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ લોકાર્પણ કરી જણાવ્‍યું હતું કે છેવાડાના જિલ્‍લા દેવભૂમિ દ્વારકાને આર.ટી.પી.સી.આર. લેબ મળતા હવે જામનગર સેમ્‍પલ મોકલવાની જરૂરીયાત નહી રહે. દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની જનતાની આરોગ્‍યલક્ષી સુખાકારીમાં વધારો કરતું વિકાસશીલ સરકારનું પગલું બની રહેશે.


        ઉલ્‍લેખનીય છે કે આ આર.ટી.પી.સી. આર. લેબમાં ૨૪x૭ કલાક એક માઇક્રોબાયોલોજીસ્‍ટ તથા છ લેબ ટેકનીશીયન સેવા માટે કાર્યરત રહેશે. આ મશીનની સેમ્‍પલ ચકાસણીની ક્ષમતા ૮ કલાકમાં નેવું (૯૦) ની છે. જે તબકકાવાર પુલીંગ કરી વધારો કરવામાં આવશે.


        આ તકે કલેકટરશ્રી ડો. નરેન્‍દ્રકુમાર મીના, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.જે. જાડેજા, જિલ્‍લા ભાજપ પ્રમુખ શ્રી ખીમભાઇ જોગલ, અગ્રણી શ્રી વી.ડી. મોરી, શ્રી પી.એસ. જાડેજા, જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી સુતારીયા, પ્રાંત અધિકારીશ્રી ગુરવ, જનરલ હોસ્‍પિટલના સુપ્રિન્‍ટેડેન્‍ટશ્રી મટાણી, મામલતદારશ્રી લુકા વગેરે ઉપસ્‍થિત રહયા હતા.