જામનગર તા. ૫, વિશ્વ કક્ષા ની નામાંકિત દિગ્જામ બ્રાન્ડ કાપડનું ઉત્પાદન કરતી કંપની જામનગર થી ભરૂચ માં સ્થળાંતર કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. કંપનીની મશીનરી અને સ્ટાફ તમામને જામનગર થી ભરૂચ લઈ જવાશે, જો કે કામદાર આગેવાનો આ નિર્ણયથી નારાજ હોવાનું જાણવા મળે છે. 


          જામનગર ની વિશ્વવિખ્યાત દિગ્જામ બ્રાન્ડ કાપડ ની ઉત્પાદક કંપનીને ભરૂચના ઝઘડિયામાં સ્થળાંતર કરવાનું મેનેજમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે. આ માટે મેનેજમેન્ટ દ્વારા જાહેર નોટીસ ચીપકવાઈ છે. જો કે, આ માટેનું કોઈ કારણ કે અન્ય કોઈ વિગતો સત્તાવાર જાહેર થવા પામી નથી, પરંતુ યુનિયન આગેવાનો આ નિર્ણય સામે નારાજ હોવાનું જાણવા મળે છે. હજુ સુધી મેનેજમેન્ટ દ્વારા યુનિયન આગેવાનો સાથે આ મુદ્દે કંઈ ચર્ચા કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા વર્ષ પહેલા ખોટના કારણે કંપની બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ તાજેતરમાં નવા મેનેજમેન્ટ સાથે કંપનીના અમુક વિભાગો કાર્યરત કરાયા હતાં એટલે કામદારોને રોજીરોટી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ એકાએક જામનગરની આખી કંપની ભરૂચ પંથક માં લઈ જવાનો નિર્ણય લેવામાં આવતા કામદારો  માં ચિંતા ફેલાઈ છે.